નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત નજીવા ઘટાડાના કારણે સામાન્ય લોકોને આંશિક રાહત થઇ છે. પેટ્રોલની કિંમતમાં ૨૫ પૈસા અને ડીઝલની કિંમતમાં સાત પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૮૦.૮૫ અને ડીઝલની કિંમત ૭૪.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇમાં પણ પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે આજે સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ઘટાડો કરવામાં આવ્યો છે
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવ વધારાના કારણે મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. સાથે સાથે ચૂંટણીમાં ફટકો પણ પડી શકે છે. સરકારની વિરુદ્ધમાં કેટલાક તારણ આવ્યા બાદ આની નોંધ લેવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી વધી શકે છે. દેશમાં જુદી જુદી ચીજાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે.
જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સરકારની દલીલ છે કે,વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત નવ દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે. મોંધવારી વચ્ચે હવે તેલના મોરચે લોકોને રાહત થઇ છે.