અમદાવાદ: પેટ્રોલ ડીઝલના રેકોર્ડ ગતિએ વધી રહેલા ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધની હાંકલ કરવામાં આવી છે. કોંગ્રેસના ભારત બંધને ટેકો આપવાની અનેક પાર્ટીઓએ જાહેરાત કરી દીધી છે. ભારત બંધ રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને મોદી સરકાર ઉપર તીવ્ર દબાણ લાવવાની કોંગ્રેસે રણનીતિ અપનાવી લીધી છે. આજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાંસદ રાજીવ સાતવજી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. અગાઉની યુપીએ સરકારના આંકડા સાથે આની સરખામણી કરવામાં આવી હતી. કોંગ્રેસે એનડીએ સરકાર દ્વારા ભાવ વધારાના નિર્ણય સામે આ હાંકલ કરી છે. સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં આગળ આવવા કોંગ્રેસ પાર્ટીએ તમામ વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટીના સંગઠનોને અપીલ કરી છે. કર્ણાટકમાં શાસક જનતા દળ સેક્યુલરે રાષ્ટ્રવ્યાપી બંધને ટેકો આપવાની જાહેરાત કરી છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સીધીરીતે આમા સામેલ નથી પરંતુ પાર્ટીએ ટેકો આપવાની જાહેરાત કરી છે.
શહેરોમાં વિરોધ પ્રદર્શન અને રેલીઓમાં કોંગ્રેસને પાર્ટી સાથ આપશે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા નવી દિલ્હીમાં વિરોધ રેલીમાં ભાગ લેશે. સવારથી સાંજ સુધી આ બંધની હાકલ કરવામાં આવી છે. બંધ દરમિયાન કોઇ હિંસાના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, હાર્દિકની માંગને લઇને સરકારે વિચારવું જોઇએ. ક્યાં સુધી હાર્દિક પટેલે પોતાની માંગને લઇને આંદોલન કરવા પડશે.
હાર્દિકની માંગ ક્યાંય વ્યક્તિગત માંગ નથી. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે સૌ આજે ભારતબંધમાં જોડાવા તેવી મારી અપીલ છે. પેટ્રોલમાં ૨૦૧૪ની સરખામણીએ ૨૧૧.૭ ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. તો ડીઝલ પર ૪૪૩.૦૬ ટકા એક્સાઇઝ વધારવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાં ૧૨ વખત વધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં એક્સાઇઝ ડ્યુટી ૯.૨ રૂપિયા પ્રતિ લીટર હતી. ૨૦૧૮માં એક્સાઇઝ ડ્યુટી ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે. .
યુપીએની સરકાર સમયે ૧૬ મેને ૨૦૧૪ના ભાવ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ હતો જ્યારે આજે ૭૩ ડોલર ભાવ છે. ત્યારે કોંગ્રેસના સમયમાં પેટ્રોલના ભાવ ૭૧.૦૯ હતા અને ભાજપની સરકારમાં ૭૯.૫૧ રૂપિયે પહોંચ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને અન્ય પાર્ટીના નેતાઓ પણ આમા જાડાવવા તૈયાર દેખાઈ રહ્યા છે. કર્ણાટક સહિતના રાજ્યોના બંધને જોરદાર પ્રતિસાદ મળી શકે છે. કન્નડ તરફી સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો, બસ, ટેક્સી અને ઓટો રિક્ષા સાથે સંબંધિત એસોસિએશન દ્વારા પણ જોડાવવાની તૈયારી દર્શાવી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇને તેમને સીધી અસર થઇ છે.