ગુજરાતના વેટ અને જીએસટીના ૬૦થી વધુ અધિકારીઓની ટીમે ગુજરાતના જુદા જુદા શહેરોમાં આવેલી આઠ પેટ્રોકેમ કંપનીઓ અને પાંચ જેટલા ટ્રાન્સપોર્ટર્સના ગુજરાતમાં આવેલા ૨૧ ઠેકાણાઓ પર આજે દરોડા પાડયા છે. દરોડા બાદ મળતી માહિતી મુજબ કોઈ એક કેમિકલમાં બીજા કેમિકલને થોડું ભેળવી દઈને જીએસટી ભરવાની ટકાવારીમાં મોટી ગરબડ કરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ઇથેનોલ, મિથેનોલ અને ટોલ્વિન જેવા સોલ્વન્ટ પેટ્રોકેમ કંપનીઓ બનાવે છે. દરોડા સાથે સંકળાયેલા જીએસટીના અધિકારીઓનું કહેવું છે કે કેટલાક કેમિકલ્સમાં તેઓ જરાક જુદા પડતા કેમિકલ્સ ઉમેરીને ભળતા જ કેમિકલ તરીકે તેને ઓળખાવીને પછી તેના પર વેટ અને અન્ય વેરાઓ ઓછા ભરતાં હોવાનું પકડી પાડવામાં આવ્યું છે.
તેઓ જુદા જુદા પ્રોડક્ટ મિક્સને નામે આ ચોરી કરતાં હોવાનું બહાર આવી રહ્યું છે. પેટ્રોકેમ કંપનીઓ તેમના પ્રોડક્ટ્સના બિલ પણ અન્ય વ્યક્તિઓ કે સંસ્થાઓને નામે બનાવી આપતા હોવાનું બહાર આવી રહ્યું છે. તેઓ આ સંદર્ભમાં કોઈપણ પ્રોસેસ કરતાં નથી. તેમ છતાંય જીએસટી અને વેટની ચોરી કરી રહ્યા છે. GSTના દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી નવ કંપનીઓમાં અરહમ પેટ્રોકેમ – ગાંધીનગર, જૈનમ ઇન્ડસ્ટ્રીઝ – અમદાવાદ, અવની પેટ્રોકેમ – હાલોલ, ગંગા રસાયણ – અંકલેશ્વર, પનામા પેટ્રોકેમ – અંકલેશ્વર, વરદાન પેટ્રોકેમ – પાનોલી, પ્રાઈમ કેમિકલ્સ – પાનોલી, મહેતા રિફાઈનરી – દહેજ, એમ.આર.શાહ લોજિસ્ટિક –ગાંધીધામ, આદિત્ય બલ્ક કેરિયર – ગાંધીધામ, અમન ટ્રાન્સપોર્ટ સર્વિસ – વડોદરા, સ્મિતા ટ્રાન્સપોર્ટ સર્વિસ – વડોદરાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મધર લેમ પ્રા.લિ.ની પણ ૩૭ લાખની વેટચોરી પકડાઈ ચાર દિવસ પૂર્વે આવકવેરા ખાતાના અધિકારીઓએ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી સનમાઈકા કે લેમિનેટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની પર પાડેલા દરોડામાં રૂ. ૩૭ લાખની વેટ-જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે.