પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવી લોકો મોરબી પહોંચ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો હવે ભારતમાં જ રહેવા ઈચ્છતા હોય ભારત સરકાર પાસે અહીંયા રહેવા માટે તેને સહયોગ આપવા માટેની અપીલ કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી હોવાથી ત્યાં ગરીબ પરિવારો જીવી શકે તેમ નથી. તેવું હાલમાં તે પરિવાર સાથે આવેલા લોકો જણાવી રહ્યા છે.

પાકિસ્તાનથી ઘણા બધા પરિવારો છેલ્લા વર્ષોમાં ભારતમાં વસવાટ કરવા માટે તેને આવી ગયા છે અને હજુ પણ દિવસેને દિવસે પાકિસ્તાન છોડીને લોકો ભારતમાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં પરંતુ થોડા સમય પહેલા જે ગદર ટુ ફિલ્મ સની દેવલની આવી તેમાં પણ એક ડાયલોગ આવે છે કે જો પાકિસ્તાનના લોકોને ભારતમાં રહેવાની છૂટ આપવામાં આવે તો મોટાભાગના લોકો પાકિસ્તાન છોડીને ચાલ્યા જાય તેમ છે. તેવી જ રીતે પાકિસ્તાનના મીરપુર ખાસ ગામના રહેવાસીઓ ભારતમાં હરદ્વાર ખાતે દર્શન કરવા માટે થઈને વિઝા લઈને આવ્યા હતા અને તમામ હિન્દુ પરિવારના બાળકો મહિલાઓ સહિતના કુલ મળીને ૪૫ લોકો હરદ્વારમાં દર્શન કર્યા બાદ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રહેવા લાગ્યા હતા.

જોકે ત્યારબાદ તે લોકો ગત રાત્રે મોરબી જિલ્લામાં પહોંચ્યા છે અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે હાલમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તે લોકોને રહેવાને જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જોકે આ પરિવાર જે પાકિસ્તાન છોડીને આવ્યા છે તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્યાં અનાજ તેલ પેટ્રોલ ડીઝલ વગેરેના ભાવ આસમાને છે અને દિવસેને દિવસે ત્યાં મોંઘવારી વધી રહી છે. આ મોંઘવારી વચ્ચે શ્રમજીવી અને ગરીબ પરિવારોને રહેવું ત્યાં મુશ્કેલ બની ગયું છે ત્યારે તે લોકોને તેઓના વડવા ભારતમાં રહેતા હતા. જેથી કરીને હવે ભારતમાં જ રહેવાની ઈચ્છા છે અને ભારતમાં રહેવા માટે થઈને તેઓની પાસેથી જે કોઈ જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે તે તમામ આપવા માટેની તે લોકો તૈયારી દર્શાવી રહ્યા છે અને ભારત સરકાર તેઓને ભારતમાં રહેવા માટે થઈને સહયોગ આપે તેવી પણ અપીલ બાળકો મહિલાઓ સહિતના પરિવારજનો કરી રહ્યા છે.

Share This Article