નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લઘુત્તમ આવક યોજનાના પોતાના વચનથી ભાજપ પરેશાન હોવાનો દાવો કરતા આજે કહ્યું હતું કે, તેમની પાર્ટીની સરકાર બન્યા બાદ અર્થવ્યવસ્થામાં ફરીથી નવા પ્રાણ ફૂંકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોદીએ તેમના શાસનકાળમાં ડિમોનિટાઇઝ કરીને લોકોનેહેરાન કર્યા હતા પરંતુ અમે રિમોનિટાઇઝ કરીશું. ગાંધીએ ૧૧મી એપ્રિલથી શરૂ થઇ રહેલી ૧૭મી લોકસભા ચૂંટણી પહેલા એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ન્યાયિક યોજનાનો હેતું દેશના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોને વર્ષમાં ૭૨૦૦૦ રૂપિયા આપવાનો રહેલો છે. સાથે સાથે બીજા હેતુ અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાનો પણ છે. મોદીએ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં નોટબંધી જેવા નિર્ણય અને જીએસટી જેવા નિર્ણયોના લીધે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરી છે. અસંગઠિત ક્ષેત્રની હાલત કફોડી બની છે. તેમણે કહ્યું હતું કે સમાજના નિચલા સ્તરના ૨૦ ટકા પરિવારોને લઘુત્તમ આવકની ગેરન્ટી આપવામાં આવી રહી છે. ડિમોનિટાઇઝ બાદ હવે રિમોનિટાઇઝ કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, આ યોજનાનું નામ ન્યાય રાખવા પાછળ પણ એક કારણ રહેલું છે. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં ગરીબો પાસેથી માત્ર આંચકી લેવાનું કામ કર્યું છે. ખેડૂતો પાસેથી આંચકી લેવામાં આવ્યા છે. નાના અને મધ્યમ ખેડૂતો પાસેથી પણ નાણાં આંચકી લેવામાં આવ્યા છે. બેરોજગાર યુવાનો પાસેથી પણ કોઇ રકમ આંચકી લેવામાં આવી છે. માતાઓ અને બહેનોની રકમ આંચકી લીધી છે. અમે આ તમામ લોકોને તેમની રકમ પરત આપવા ઇચ્છીએ છીએ. આ વચન પણ લોકલક્ષી છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, માત્ર ૧૫ મોટા ઉદ્યોગપતિઓને ૩.૫ લાખ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. આ યોજના ગરીબોને લાભ પહોંચાડશે જેથી લોકલક્ષી યોજના છે તેમાં કોઇ લાલચ નથી. જ્યારે રાહુલ ગાંધીને સ્કીમને લઇને સમય મર્યાદા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોઇ માહિતી આપી ન હતી. આ યોજનાને માત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે જેથી તેની આડે રહેલી તકલીફોને જાણી શકાશે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે આને જીએસટીની જેમ લાગૂ કરીશું નહીં. સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે આને રજૂ કરવામાં આવશે ત્યારબાદ દેશભરમાં અમલી કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમલી કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય નિષ્ણાતો કરશે. રાહુલે ઉમેર્યું હતું કે, દેશની ગરીબ ૨૦થી ૨૫ ટકા જનતા ગરીબીમાં રહે છે. નોટબંધી અને જીએસટીના કારણે મોટી સંખ્યામાં લોકો ગરીબી નીચે પહોંચી ગયા છે. તેમનો ઉદ્દેશ્ય ગરીબીને ખતમ કરવાનો છે. ન્યાય યોજના ગરીબી પર પ્રહાર તરીકે રહેશે. રાહુલ ગાંધીએ અનેક મુદ્દા ઉપર વાત કરી હતી. જો કે, તેઓએ મુખ્યરીતે નોટબંધી અને જીએસટી ઉપર ભાર મુક્યો હતો. રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી નોટબંધી અને જીએસટીના મુદ્દા ઉપર જ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા છે. રાહુલે સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ગરીબ લોકોને તમામ લાભ મળે તે માટે મજબૂત રસ્તો કાઢવામાં આવશે.