નવીદિલ્હી : બજેટમાં પગારદારથી લઇને મધ્યમ વર્ગને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પગારદાર વર્ગ માટે ગ્રેજ્યુએટી પેમેન્ટ પર મોટા લાભની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયલે બજેટ રજૂ કરતા શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, કર્મચારીના નેશનલ પેન્શન સિસ્ટમ અથવા એનપીએસના સરકાર તરફથી ૧૪ ટકાનું યોગદાન આપવામાં આવશે. ગ્રેજ્યુએટી પેમેન્ટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. ગ્રેજ્યુએટીમાં યોગદાનની મર્યાદા ૧૫૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સર્વિસના ગાળા દરમિયાન શ્રમિકોના મૃત્યુના કેસમાં ઇપીએફઓથી મળનાર સહાયતાની રકમ બે લાખ રૂપિયાથી વધારીને છ લાખ કરવામાં આવી છે.
બીજી બાજુ ૨૫૦૦૦ રૂપિયાની કમાણી કરનાર ઇએસઆઈ છત્ર આપવામાં આવશે. કર્મચારીના એનપીએસમાં સરકારનું યોગદાન ૧૪ ટકા રહેશે. ન્યુ પેન્શન સ્કીમમાં સરકારની ભાગીદારી વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ તમામને મળે તેવો હેતુ રાખવામાં આયો છે. આ સ્કીમ આ વર્ષે લોંચ કરવામાં આવી છે. હાલમાં આ યોજના માટે ૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો વધારે ફંડ ઉપલબ્ધ કરાવવાં આવશે. આ યોજના હેઠળ ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિના સુધી કમાણી કરનાર ૧૦ કરોડ લોકોને ફાયદો થશે. લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરતા પીયુષ ગોયેલે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે મેગા પેન્શન યોજના જાહેર કરી હતી.
૧૫૦૦૦થી ઓછી રકમ મેળવતા વ્યક્તિને દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન અપાશે. શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત કરતા ગોયલે કહ્યું હતું કે, ૧૦૦ રૂપિયાનું મહિને યોગદાન આપવાની સ્થિતિમાં કામદારોને ૬૦ વરષની વય બાદ ૩૦૦૦ રૂપિયા મહિને પેન્શન મળશે. આનાથી ૧૦ કરોડ કામદારોને સીધો ફાયદો થશે. ૧૫૦૦૦ રૂપિયાથી ઓછી આવકવાળા મજુરોને આનો ફાયદો થશે. આ યોજનાનો લાભ ૨૫ ટકા લોકોને થશે. આ પગલાથી સ્થાનિક નોકરો, ડ્રાઇવરો, પ્લમ્બરો, વિજળીનું કામ કરનાર મજુરોને સીધો ફાયદો થશે. જે આ સ્કીમ હેઠળ ૧૫૦૦૦થી ઓછી આવક મેળવે છે.