અમદાવાદ : ગત ઓગસ્ટ-ર૦૧૮માં તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમનના ભાગરૂપે નાગરિકોને વધુ ને વધુ પે એન્ડ પાર્કની સુવિધા આપવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તે વખતે બે તબક્કામાં સત્તાવાળાઓએ કુલ ૭૩ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેનો અપસેટ વેલ્યૂ આધારિત કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં ક્વાયત આરંભી હતી, જોકે તેમાં મહદંશે નિષ્ફળતા મળતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની નીતિ બદલી છે. તંત્રની નવી નીતિ મુજબ પસંદ કરાયેલા ૧૮ પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરની કમાણીમાં અમ્યુકો દ્વારા હવે ભાગીદારી કરાશે. શહેરમાં એક અંદાજ મુજબ ૪પ લાખથી વધુ વાહન હોઇ તેમાં દરરોજ ૮૦૦ વાહન ઉમેરાઇ રહ્યાં છે. બીજી તરફ ગઇકાલે મેટ્રો રેલ દોડતી થયા બાદ શહેરીજનોને એએમટીએસ, બીઆરટીએસ ઉપરાંત હવે જાહેર પરિવહન સેવામાં મેટ્રો રેલ એમ ત્રીજો વિકલ્પ મળ્યો છે.
તેમ છતાં દેશનાં મુંબઇ, બેંગલુરુ, ચેન્નઇ જેવાં અન્ય શહેરોની તુલનામાં અમદાવાદમાં જાહેર પરિવહન સેવા ખાસ અસરકારક નીવડી નથી. સુરત જેવાં રાજ્યનાં અન્ય શહેરો જેવા અમદાવાદમાં ત્રણ-ચાર કિમી લાંબા બ્રિજ નથી, ફકત જે તે જંક્શન પર પ૦૦થી ૭૦૦ મીટરના ટુકડામાં બ્રિજનું નિર્માણ કરીને શાસકો દિન-પ્રતિદિન વિકરાળ બનતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી રહ્યા છે. આવા અડધા-અધૂરા પ્રયાસો બદલ હાઇકોર્ટે અવારનવાર તંત્રની ઝાટકણી પણ કાઢી છે. ગઇ ઓગસ્ટ-ર૦૧૮માં હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાવાળાઓ દ્વારા પહેલા તબક્કામાં રપ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેમાં કુલ ૧૩,૮૧૭ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિગ અને બીજા તબક્કામાં વધુ ૪૮ પે એન્ડ પાર્ક નક્કી કરીને તેમાં કુલ ર૪,રપપ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિગની સુવિધા ઊભી કરાઇ હતી. આ બન્ને તબક્કાના કુલ ૭૩ પે એન્ડ પાર્ક પૈકી સત્તાધીશો દ્વારા માત્ર ર૩ પે એન્ડ પાર્કને અલગ તારવીને તેનાં ટેન્ડર બહાર પડાયાં હતાં.
ત્રણેક મહિના પહેલાં બીજી વખત બહાર પડાયેલા ટેન્ડરમાં ફક્ત બે પે એન્ડ પાર્કની ઓફર આવી હતી, જે પૈકી ગોતા-સરખેજબ્રિજની ઓફર તંત્રની અપસેટ વેલ્યૂ કરતાં ઓછી આવતાં તેને ફગાવાઇ હતી જ્યારે અસલાલીની ઓફરને માન્ય રખાઇ હતી. હવે તંત્રે જે તે પે એન્ડ પાર્કની અપસેટ વેલ્યૂ નિર્ધાિરત કરીને આવક મેળવવાના બદલે ૧૮ પે એન્ડ પાર્કમાં જે તે કોન્ટ્રાક્ટરની કમાણીમાં શેરિંગ કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. તંત્રના રેવન્યૂ શેરિંગ તંત્રની નીતિ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની વીસ ટકા અપસેટ શેરિંગ ટકાવારી નક્કી કરાઇ છે એટલે વીસ ટકા કે તેથી વધુ ટકાવારી ઓફર કરનાર કોન્ટ્રાક્ટરને તેનો એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ અપાશે.
તંત્ર દ્વારા ભાડાની વસૂલાત માટે રેટ મુજબની ટિકિટ છાપીને કોન્ટ્રાક્ટરને અપાશે અને આવકનાં નાણાંમાંથી દર મહિને નિર્ધાિરત શેરિંગની ચુકવણી મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. ટુવ્હીલર માટે લઘુતમ અને બે કલાક સુધી રૂ.પાંચ, ફોર વ્હીલરના રૂ.પંદર, મીડિયમ ગુડ્ઝ વ્હીકલના રૂ.પ૦ અને હેવી ગુડ્ઝ વ્હીકલના રૂ.૭પનો દર નક્કી કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૮ પે એન્ડ પાર્કમાં રેવન્યૂ શેરિંગની નવી નીતિથી નાગરિકોને ૭૬૦૪ ટુ વ્હીલર અને ર૪૧૧ ફોર વ્હીલર મળીને કુલ ૧૦,૦૧પ વાહનના પાર્કિગની સુવિધા મળશે.