મહારાષ્ટ્રમાં રાજકીય દંગલમાં બે ચાણક્ય વચ્ચે છેલ્લા એક મહિનાથી જોરદાર જંગ ખેલાઇ રહ્યો હતો. શહ અને માતના ખેલમાં મરાઠા રાજનીતિના દિગ્ગજ નેતા શરદ પવારે આખરે ભાજપ પ્રમુખ અમિત શાહને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં સત્તાના આ ખેલમાં એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ જોરદાર ડિફેન્સ દ્વારા આપીને જીત મેળવી લીધી છે. જેના કારણે ત્રણ દિવસની અંદર જ મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડનવીસને રાજીનામુ આપી દેવાની ફરજ પડી છે. શરદ પવારે ફરી એકવાર સાબિતી આપી દીધી છે કે શાહ ભલે દેશની રાજનીતિના ચાણક્ય છે પરંતુ મહારાષ્ટ્રમાં તો અસલી ચાણક્ય તેઓ જ રહ્યા છે.
શાહ અને પવાર વચ્ચે મહારાષ્ટ્રમાં અસલી જંગની શરૂઆત ૨૩મી નવેમ્બરના દિવસે થઇ હતી. એ વખતે એનસીપી વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે કાકાની સામે બળવો કરીને ભાજપની સાથે હાથ મિલાવી લીધા હતા. મહારાષ્ટ્રના આ રાજકીય ખેલના કારણે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી લીધી હતી. અમિત શાહે ચૂંટણી પરિણામમાં ભલે અપેક્ષિત પરિણામ ન મળ્યા પરંતુ રાજકીય સર્જિકલ સ્ટ્રાઇક કરીને અમિત શાહે પોતાની ક્ષમતાને સાબિત કરી દીધી હતી. મુંબઇમાં શનિવારે જોરદાર ઘટનાક્રમનો દોર રહ્યો હતો. ભાજપ છાવણીના આ પરિવારિક પ્રહારનો જવાબ શરદ પવારે જોરદાર ડિફેન્સ મારફતે આપ્યો હતો. જેના કારણે ભારતીય જનતા પાર્ટીની તમામ ગણતરી ઉંઘી વળી ગઇ હતી. શરદ પવારની રાજકીય સમજશક્તિ, તેમના પત્ની અને પાર્ટીના અન્ય સભ્યોના મનાવવાના પ્રયાસ બાદ અજિત પવાર માની ગયા હતા અને તેઓએ અંગત કારણોસર રાજીનામુ આપી દીધુ હતુ.
અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી માત્ર ત્રણ દિવસના ગાળામાં જ રાજીનામુ આપી દીધા બાદ દેવેન્દ્ર ફડનવીસે રાજીનામુ આપી દીધુ હતુ અને કહ્યુ હતુ કે તેમની પાસે બહુમતિ નથી. હકીકતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જેટલી સીટોની અપેક્ષા હતી તેટલી મળી ન હતી. જેના કારણે તેના સાથી દળ શિવ સેનાને તક મળી ગઇ હતી. જેના કારણે શિવ સેનાએ ૨-૫ -૨.૫ વર્ષ માટે મુખ્યપ્રધાન પદની માંગ કરીને ભાજપ માટે સમસ્યા ઉભી કરી દીધી હતી. શિવ સેનાના આ પગલાના કારણે અમિત શાહે નિર્ણય કર્યો હતો કે કોઇ સમજુતી કરવામાં આવનાર નથી.
સરકાર રચવાની સ્પર્ધામાંથી ભારતીય જનતા પાર્ટીએ પીછેહટ કરી હતી. શાહ અને પવાર વચ્ચે સ્પર્ધા લાંબા સમયથી રહી છે. લોકસભામાં મોદી લહેરની સામે હાર ખાધા બાદ મહારાષ્ટ્રમાં પવારે વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી દ્વારા પચ્છિમી મહારાષ્ટ્રમાં જોરદાર વાપસી કરવામાં આવી હતી. એનસીપીને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ૧૦ સીટો વધારે મળી હતી. તેનો દેખાવ સંતોષજનક રહ્યો હતો. શિવ સેનાના વડા ઉદ્ધવ ઠાકરેની મહત્વકાંક્ષાએ જો માથુ ઉચક્યુ ન હોત તો શરદ પવાર સત્તાની દોડથી બહાર જ રહ્યા હોત. જો કે સ્થિતિ એવી ઉભી થઇ હતી કે કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાને સાથે આવવાની ફરજ પડી હતી. સાથે સાથે શરદ પવારે જોરદાર મધ્યસ્થીની ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ શરદ પવારના ઇરાદા પર પાણી ફેરવી નાંખવાનો ભાજપે નિર્ણય કર્યો હતો.
ભાજપે શરદ પવારના ભત્રીજાને તોડી લેવામાં સફળતા મેળવી હતી. અજિત પવારના બળવા પાછળ અમિત શાહની છાપ નજરે પડી હતી. શિવ સેનાને બોધપાઠ ભણાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી શાહ અને પવાર વચ્ચે અસલી લડાઇ સીટોને લઇને શરૂ થઇ હતી. સ્થિતિ એ બની ગઇ હતી કે બહુમતિ માટેના જાદુઇ આંકડા સુધી પહોંચી જવા માટે જોરદાર સ્પર્ધા જામી હતી. શાહની પાસે સત્તામાં રહેવાની બાબત જરૂરી હતી.
જો કે એનસીપી ધારાસભ્યોની સામે શરદ પવારની અવગણના કરવી મુશ્કેલ હતી. શરદ પવાર તમામ બળવાખોરોને સાથે લાવવામાં સફળ રહ્યા હતા. બળવાનુ રણશિંગુ ફુંકનાર અજિત પવારને પણ મનાવી લેવામાં સફળતા મળી ગઇ હતી. હાલમાં તો પવાર રાજકીય દંગલમાં વિજેતા બની ગયા છે પરંતુ અમિત શાહ તેમને ચોક્કસપણે પછડાટ આપવા પ્રયાસ કરી શકે છે.