અમદાવાદ: ગણેશ વિસર્જનની આડમાં એસપીજી અને પાસ દ્વારા સુરતમાં જોરદાર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો પાટીદારો વરાછાનાં મીની બજારમાં એકઠાં થયાં હતા. વિશાળ બેનરો અને અલ્પેશનાં માસ્ક લગાવીને યુવકોએ એક રેલી યોજી હતી અને ગણેશજીની પ્રતિમા સાથે રેલી પાટીદાર વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું.
ઉલ્લેખનીય છે કે આજનાં રવિવારનાં દિવસે ગણપતિનાં વિસર્જનનો અંતિમ દિવસ છે ત્યારે સુરત સહિત રાજયભરમાં આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે સુરતમાં પણ ગણેશભકિતનો માહોલ છવાયો હતો અને ઠેર-ઠેર ગણેશ વિસર્જનના અનોખા દ્રશ્યો જાવા મળ્યા હતા ત્યારે સુરત શહેરમાં ગણેશ વિસર્જનના પ્રસંગે પાટીદારોએ આજે ફરી એકવાર પોતાની માંગણી સાથે પ્રસંગને અનુરૂપ શકિત પ્રદર્શન યોજી સૌકોઇનું ધ્યાન ખેંચ્યું હતું.
સુરતમાં એસપીજી અને પાસના નેતાઓ અને આગેવાની નિશ્રામાં હજારો પાટીદારોએ રસ્તા પર આવી જઇ, વિશાળ રેલી યોજી જાણે શકિત પ્રદર્શન યોજયું હતું અને સરકારના સત્તાવાળાઓને સંદેશાત્મક ચેતવણી આપી હતી. રાજ્યનાં દરેક શહેરોમાં ભક્તો દ્વારા ગણપતિજીને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી. ત્યારે વિસર્જનને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પણ ઠેર-ઠેર કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યાં હતા.
સુરત શહેરમાં વિસર્જન ટાણે જ પાટીદારોના હક માટે લડી રહેલી સંસ્થાઓ એસપીજી અને પાસ દ્વારા આજે ગણેશ વિસર્જનની આડમાં સુરતમાં પોતાની એકતા અને શક્તિનું જોરદાર પ્રદર્શન કરાયું હતું. પાટીદારોએ માથે પાટીદાર ટોપી પહેરી, બાઇક રેલી યોજી તેમના લોકપ્રિય પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની માંગને લઇ રસ્તા પર આવી ગયા હતા. હજારો પાટીદારો શહેરનાં વરાછાનાં મીની બજારમાં એકઠા થયાં હતાં. જ્યાં વિશાળ બેનરો દર્શાવી, માસ્ક લગાવીને પાટીદાર યુવકોએ રેલી યોજી હતી ને સાથે સાથે ગણેશજીની પ્રતિમા સાથે આ રેલી પાટીદાર વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી. એસપીજી અને પાસના આ શકિત પ્રદર્શન અને વિશાળ રેલી મારફતે સરકાર અને તંત્રને ફરી એકવાર સીધો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો, આમજનતાનું પણ ધ્યાન ખેંચ્યું હતું.