નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઓમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ રહ્યો છે. જો કે, લોકો હવે વિરોધ વ્યક્ત કરવા માટે નાગરિક વિરોધનો ટેકો લઇ રહ્યા છે. આર્મીના ઇન્ટરનલ રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આર્મી કમાન્ડરોની બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓએ આ મુદ્દા પર ચર્ચા કરી હતી. ત્યારબાદ આર્મીનો ઇન્ટરનલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષે ઓગસ્ટ બાદ ખીણમાં પથ્થરબાજીની ઘટનાઓમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ચુક્યો છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પથ્થરબાજીની ૬૬ ઘટનાઓ બની હતી જ્યારે આ વર્ષે ઉલ્લેખનીયરીતે સંખ્યા ઘટીને માર્ચમાં ૧૭ ઘટનાઓ બની છે. લોકો હવે સિવિલ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. જે નારાજગી વ્યક્ત કરવાનો એક તરીકો છે. આ વર્ષે માર્ચ મહિનામાં આવી ૬૯ ઘટનાઓ બની હતી. આર્મી કમાન્ડર કોન્ફરન્સમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આતંકવાદીઓની સામે ઓપરેશન દરમિયાન જે લોકો વિરોધ કરતા હતા તેમનું પ્રમાણ ઘટી ગયું છે.
આતંકવાદના રસ્તા ઉપર આગળ વધી રહેલા યુવાનોની સંખ્યા પણ ઘટી ગઈ છે. આતંકવાદીઓની સ્થાનિક ભરતી હવે દક્ષિણ કાશ્મીર સુધી મર્યાિદત દેખાઈ રહી છે. ખીણમાં આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ, ફેબ્રુઆરીમાં સાત અને માર્ચમાં છ યુવાનો આતંકવાદી ગતિવિધિમાં જોડાયા હતા. આ યુવાનો પૈકી પાંચ દક્ષિણ કાશ્મીર રહ્યા છે જ્યારે એક બાંદીપોરાનો છે. ગયા વર્ષે શરૂઆતી ત્રણ મહિનામાં ૩૨ યુવાનો આતંકવાદી ગતિવિધિમાં જોડાયા હતા. ખીણમાં આ વર્ષે હજુ સુધી ૬૮ આતંકવાદીઓ માર્યા ગયા છે. સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે એક પછી એક આતંકવાદીઓનો ખાત્મો થઇ રહ્યો છે. આતંકવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે.
માર્ચ મહિના સુધીમાં ૨૧ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. એકલા ૨૧ આતંકવાદીઓ જે માર્ચમાં ફુંકાયા હતા તેમાં જૈશના ૧૧ આતંકવાદીઓ, હિઝબુલના પાંચ આતંકવાદીઓ અને લશ્કરે તોઇબાના પાંચ આતંકવાદીઓ હતા. પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસી ગયા છે. પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર હુમલામાં ૪૦ જવાનોના મોત બાદ ભારતે બાલાકોટમાં જવાબી કાર્યાહી કરી હતી.