સુરત:– આસ્થા મેનેજમેન્ટ ફોરમ દ્વારા શહેરના વી.આઈ. પી. રોડ વેસુ ખાતે આવેલા આસ્થા હોલમાં સ્ટાર્ટ-અપ ઉદ્યોગકારોને પેટન્ટ ફાઈલીંગની પ્રક્રિયા સમજાવાના હેતુથી સ્ટાર્ટ-અપ માટે ‘‘પેટન્ટ અવેરનેસ’’ કાર્યક્રમ યોજાયો હતો.
ફોરમનાં ફાઉન્ડર ડૉ. અનીલ સરાવગીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૧મી સદીને નોલેજ ઈકોનોમી તરીકે વર્ણવે છે. ભારત પણ એક વિકસિત નોલેજ ઈકોનોમી તરફ પ્રયાણ કરી રહ્યું છે. પરંતુ ખરેખર નોલેજ ઈકોનોમી બનવા માટે દેશમાં ભરપુર સંશોધનો થવા જરૂરી છે. તેમણે કહ્યું કે, આપણે વારંવાર કહીએ છીએ કે ચાઈના કોપી/ડુપ્લીકેટ કરી કરીને કામ કરે છે. પરંતુ વાઈપો (World Intellectual Property Organization) નો ડેટા આંખે ઉડીને વડગે એવો છે. ચાઇનામાં વર્ષે લગભગ ૧૩ લાખ પેટેન્ટ ફાઈલ થાય છે તેની સામે ભારતમાં ૫૦,૦૦૦ પણ નથી થતા. એટલે ચાઇના કરતા ભારત માત્ર ૫% પેટેન્ટ ફાઈલ કરે છે.
આ પ્રસંગે મુખ્ય વક્તાશ્રી ભાવિક પટેલ કે, જેઓ અધિકૃત પેટન્ટ એટર્ની છે તેઓ એ શું શું પેટેન્ટ થઈ શકે અને પેટેન્ટ ફાઈલ કરવાનાં આવશ્યકતાઓ વિશે જણાવ્યુ હતું. ખાસ કરીને આપનું સંશોધન પેટેન્ટેબલ છે કે નહી તે જાણવા માટે ગુગલ સર્ચ કરવાની પ્રક્રિયાની વિગતવાર છણાવટ કરી હતી. ત્યારબાદ પેટેન્ટ ફાઈલ કરવા માટે ડ્રાફ્ટીંગ કેવી રીતે કરવું અને જે તે પેટેન્ટ દ્વારા સંશોધક શું એકાધિકાર મેળવે છે તેની સમજણ આપી હતી. સાથે જ પેટેન્ટ ફાઈલ કરવા માટે તૈયાર કરવા પડતા પેપર્સની પ્રેક્ટીકલ સમજ આપી અને પેટન્ટ રજીસ્ટર થતા લગભગ પાંચ વરસ લાગે છે તેવુ જણાવ્યુ હતું.
ભારત સરકાર વ્યક્તિગત અરજી કરનારને દરેક ફીમાં ૮૦ % જેટલું માતબર ડિસ્કાઉન્ટ આપી પ્રોત્સાહન આપે છે. એટલે જો કંપની માટે ૪૦,૦૦૦ રૂપિયા ફી છે તો નાનાં વ્યક્તિગત સંશોધક માટે માત્ર ૮૦૦૦ રૂપિયા જેવી નજીવી ફી છે.
પેટેન્ટ રજીસ્ટર થવાથી ૨૦ વર્ષ માટે વ્યાવસાયિક રક્ષણ મળે છે જેમાં સંશોધક મોનોપોલીથી કમાણી કરી શકે છે. વેશ્વિક પેટેન્ટ એ એક ભ્રમણા છે દરેક દેશના જેતે કાયદા મુજબ અલગ પેટેન્ટ રજીસ્ટર કરાવા પડતા હોય છે. આજકાલ સોફ્ટવેરને પેટેન્ટ કરવાની ઘણી વાતો થાય છે પરન્તુ એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સોફ્ટવેર પ્રોગ્રામ પેટેન્ટેબલ નથી.