મંગળવારે અમેરિકન કોંગ્રેસે સંસદમાં કૉલ સેન્ટર સંબંધિત એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં પ્રસ્તાવ કરાયો છે કે, ભારત સહિતના કોઇ પણ દેશમાં કૉલ સેન્ટર ચલાવતી અમેરિકન કંપનીઓના કર્મચારીઓએ ગ્રાહકને તેઓ કયા દેશના, કયા સ્થળેથી બોલી રહ્યા છે તે જણાવવું પડશે. ત્યાર પછી જો ગ્રાહકને પોતાનો કૉલ અમેરિકન કૉલ સેન્ટરમાં ટ્રાન્સફર કરવો હશે તો કરી શકશે. જો આ બિલ પસાર થશે તો અમેરિકન ગ્રાહકો અમેરિકાના સર્વિસ એજન્ટ સાથે જ વાત કરવાનું પસંદ કરી શકે છે.
આ બિલ ઓહાયોના ડેમોક્રેટ સેનેટર શેરોડ બ્રાઉને રજૂ કર્યું હતું. આ બિલમાં એ તમામ કંપનીઓની યાદી બનાવવાનું સૂચન કરાયું છે, જે અમેરિકન કૉલ સેન્ટરની નોકરીઓ આઉટસોર્સ કરે છે. એટલું જ નહીં, આ બિલમાં કૉલ સેન્ટર જેવી સર્વિસ આઉટસોર્સ નહીં કરતી કંપનીઓને સરકારી રાહે છૂટછાટ આપવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આવી અનેક કંપનીઓએ અમેરિકામાં મૂડી ભેગી કરી, પરંતુ બાદમાં તેમણે અમેરિકન નોકરીઓના ભોગે ભારત, ચીન અને મેક્સિકો જેવા દેશોમાં ઉત્પાદન શરૂ કરી દીધું.
આ દરમિયાન બ્રાઉને કૉલ સેન્ટરનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, આજે અમેરિકાના કારણે કૉલ સેન્ટરને લગતી નોકરીઓ વિદેશોમાં છે. અમેરિકાની અનેક કંપનીઓ સર્વિસ આઉટસોર્સ કરીને ભારત અને મેક્સિકો જતી રહી છે. કોમ્યુનિકેશન વર્કર્સ ઓફ અમેરિકાના અહેવાલ પ્રમાણે, અમેરિકન કંપનીઓએ સાઉદી અરેબિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ કૉલ સેન્ટર શરૂ કર્યા છે, જેના કારણે અમેરિકનોની નોકરીઓનો ભોગ લેવાયો છે.
નોંધનીય છે કે, આ બિલ પસાર થઇ જશે તો અમેરિકામાં કૉલ સેન્ટરની નોકરીઓ વધશે, કર્મચારીઓની સુરક્ષા પણ વધશે, પરંતુ ભારત સહિતના દેશોમાં અમેરિકન કૉલ સેન્ટરોની નોકરીઓ પર ખતરો વધી જશે.