અમદાવાદ : મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ પડેલો થલતેજ મેટ્રો સ્ટેશન શરૂ થયો છે. 8 ડિસેમ્બરથી મુસાફરોને થલતેજ ગામ સુધી મેટ્રો સર્વિસ મળી રહેશે. અત્રે જણાવીએ કે, દર 8 મિનિટના અંતરે મેટ્રો ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. થલતેજ ગામના મુસાફરોને હવે આંગણેથી મેટ્રોની સર્વિસ મળશે. અત્યાર સુધી થલતેજ ચાર રસ્તા સુધી જ મેટ્રોની સેવાઓ કાર્યરત હતી. ત્યારે હવે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી સંપૂર્ણ સેવાઓ શરુ કરી દેવામાં આવી છે.
આ અંગે મુસાફરોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, પહેલા થલતેજ ચાર રસ્તા સુધી જ સેવાઓ હતી, જેથી અમારે રિક્ષામાં 50 રૂપિયા ભાડું ખર્ચીને ટ્યુશન જવું પડતું હતું, જ્યારે હવે અમારે સમય અને પૈસા બંન્નેની બચત થશે સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે. કેમ કે અમદાવાદ 2036માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે. એ જ રીતે શીલજ ચાર રસ્તાથી એસપી રિંગરોડ થઈ બીજો રૂટ વાયા મોટેરા, વૈષ્ણોદેવી, ચાંદખેડાથી પસાર થશે.
થલતેજ ગામથી શિલજ સુધીનો રૂટ રેલવે લાઈનને સમાંતર નાખવાની યોજના છે. જેનાથી બોપલ, શેલા, ઘુમા જેવા વિસ્તારો પણ આવરી શકાશે. આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. તેમજ આવનાર ભવિષ્યમાં સ્પોર્ટ્સ વિલેજમાં મેટ્રોની પણ સારી સુવિધા મળી રહેશે. અમદાવાદમાં હાલ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી મેટ્રોની સુવિધા કાર્યરત છે. જો કે શહેરમાં 34 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગનો અભાવ છે. જેને લઇને લોકો પોતાના વાહન નીચે પાર્ક કરીને મેટ્રોમાં મુસાફરી કરવાનો લાભ લઇ શકતા નથી. આ સમસ્યાનું નિવારણ લાવવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકોને પોતાના ઘરથી મેટ્રો સ્ટેશન સુધી વાહન ન લઇ જવું પડે તે માટે એએમસી દ્વારા ફિડર બસ સેવાની શરૂઆત કરાશે. અમદાવાદના 34 મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગના અભાવને ધ્યાને લઇ ફિડર બસની સુવિધા શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.