મણિપુર હિંસા પર સંસદની કાર્યવાહી સ્થગિત, પીયૂષ ગોયલે કહ્યું- સરકાર ચર્ચા માટે તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. હિંસા પર ચર્ચાની માગને લઈને છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં હંગામો થઈ રહ્યો છે. આજે પણ હંગામા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું છે કે, સરકાર આ મામલે ચર્ચા કરવા તૈયાર છે. અમે ઈચ્છીએ છીએ કે આ મુદ્દા પર ૨ વાગ્યા બાદ ચર્ચા થવી જોઈએ. વિપક્ષ સતત સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભાજપ અને તેના ઘટક પક્ષોએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ. અમારી માગ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવી જોઈએ. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, મણિપુર એક સંવેદનશીલ મામલો છે. તેના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેના માટે સરકાર તૈયાર છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વ્યૂહરચના અંગે વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

 સંસદ પરિસરમાં I.N.D.I.A.. ગઠબંધનની પણ એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને અન્ય પક્ષોના ઘણા નેતાઓએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે ચોમાસુ સત્રની શરૂઆતથી જ મણિપુરની સ્થિતિને લઈને સંસદ સ્થગિત થઈ ગઈ છે. સરકારે મણિપુર પર ચર્ચાની ઓફર કરી છે, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાની રીત પર મતભેદ છે. ચોમાસુ સત્ર પહેલા નરેન્દ્ર મોદીએ મણિપુરની ઘટના પર ટિપ્પણી કરી હતી અને મહિલાઓ પર થતા કોઈપણ અત્યાચારને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. જો કે વિપક્ષ સંસદની અંદર પીએમ મોદીના નિવેદનની માગ કરી રહ્યો છે. વિપક્ષ પીએમને નિવેદન આપવા દબાણ કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યા છે. જેને લોકસભાના અધ્યક્ષે સ્વીકાર્યો હતો. જો કે હજુ સુધી અવિશ્વાસ પ્રસ્તાવની તારીખ જાહેર કરવામાં આવી નથી.

Share This Article