અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કાયદાની આડમાં મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતામાં નિમાયેલું તપાસ પંચ સરકાર બચાવો મિશન હોવાનો ગંભીર આક્ષેપ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે કર્યો હતો. ધાનાણીએ મગફળી કાંડમાં નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી હતી.
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડ મામલે રાજય સરકાર પર ફરી એકવાર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આ સાથે અત્યાર સુધીમાં નીમાયેલા કુલ ૧૧ જેટલા ઇન્ક્વાયરી કમીશન અને અનેક તપાસ સમિતિઓ કાયદાની આડમાં ભાજપ સરકારના કૌભાંડો ઉપર પડદો પાડવાનું કાવતરૂ જ બની રહ્યું છે. ખરેખર તો બોફોર્સ તોપમાં ખોટા આક્ષેપો કરી કેન્દ્ર સરકારને કાઢનાર ભાજપ દ્વારા બોફોર્સ કરતા બારદાનમાં વધારે કટકી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા રૂપિયા ૪૦૦૦ કરોડની મગફળીની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં ગેરરીતી અંગે તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ કરાવવા વિધાનસભા સહિત રાજ્યપાલ, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને કૃષિ સચિવને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં આજદિન સુધી સરકારે આ માંગણી નહિ સ્વીકારી કૌભાંડીઓને છાવરી રહી છે. હવે આ મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવા માટે નિવૃત જજ એચ.કે.રાઠોડ તપાસ પંચની કરાયેલી જાહેરાત સામે પ્રશ્નાર્થ કરતા તેમણે આ કૌભાંડનો રેલો સીએમ કાર્યાલય સુધી પહોંચ્યો હોવાથી મુખ્યમંત્રીને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવાની માંગણી કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભાજપ સરકાર જ્યારે પણ કૌભાંડો અને ભ્રષ્ટાચારમાં ઘેરાય છે ત્યારે સરકાર બચાવો મિશન અંતર્ગત તપાસ પંચની માત્ર રચના જ કરે છે. અગાઉના ૧૧ કમીશન અને અનેક સરકારી તપાસ સમીતીઓના અહેવાલો આજદિન સુધી અધ્ધરતાલ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સરકારે જ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકાર્યું છે ત્યારે આ તપાસ પાંચ માત્ર નાટક જ હોવાથી સીટીંગ જજની અધ્યક્ષતામાં ચોક્કસ સમય મર્યાદામાં તપાસ થવી જોઈએ. તેમણે મગફળી કાંડમાં ન્યાયિક તપાસ કરી સત્ય બહાર આવે તેવું પ્રજા ઈચ્છી રહી હોવાનું જણાવી ૩૬ જેટલા મુદ્દાઓ વિષે સરકારને જવાબ આપવા જણાવ્યું છે.