અમદાવાદ : લોક રક્ષક દળની ભરતીના પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી હજુ પોલીસ પકડથી દૂર છે. યશપાલસિંહ સોલંકી વડોદરા શહેરના વારસીયા ખાતે આવેલા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતો હતો. યશપાલસિંહની સાથે કામ કરી ચૂકેલા તેના સહકર્મીઓને યશવંતનું નામ પેપર લીક કાંડમાં આવવાથી આઘાત લાગ્યો હતો. કારણ કે, એકદમ સીધો સાદો લાગતો વ્યક્તિ કૌભાંડી નીકળ્યો હતો. બીજીબાજુ, ખુદ પોલીસ માટે પણ મુખ્ય સૂત્રધાર યશપાલસિંહનું સમગ્ર કેરેકટર સમજવું અઘરૂં બની રહ્યું છે કારણ કે, દેખાવમાં સરળ અને ભોળોભાલો લાગતો આ આરોપી ઘણો ચાલાક અને શાતીર છે. તેણે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના આઇકાર્ડમાં લખાવેલું પોતાનું સરનામું પણ ખોટું હોવાનું સામે આવ્યું છે. યશપાલસિંહની સતત ગેરહાજરીને લઇ તેને ફરજમોકૂફી માટે ઉપરી અધિકારીઓને ભલામણ પણ કરાઇ હતી.
આમ, યશપાલસિંહે સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી મૂક્યું છે પરંતુ હજુ સુધી તે સંકજામાં આવ્યો નથી. યશપાલસિંહ હેલ્થ સેન્ટરમાં ૧૧ માસના કરાર આધારિત નોકરી પર લાગ્યો હતો. યશપાલસિંહ ફોગિંગનું કામ કરતો હતો. ગત તા. ૮ ઓગષ્ટથી તા.૨૦ સમ્ટેમ્બર,૨૦૧૮ સુધી યશપાલે નોકરી કરી હતી. છેલ્લા ઘણા સમયથી યશપાલની સતત ગેરહાજરી સામે આવી હતી, જેને લઇ તેની ફરજમોકૂફી માટે ભલામણ પણ કરાઇ હતી. વળી, યશપાલ કોઇની ભલામણથી નોકરી પર લાગ્યો હતો કે, નહીં તે પણ તપાસનો વિષય છે. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યશપાલનું નામ જ્યારે પેપર લીક કૌભાંડમાં આવ્યું એ અમારા માટે આઘાતજનક હતું, તે વ્યક્તિ કોઇ આટલા મોટા કાંડ સાથે સંકળાયેલો હોય તેવુ લાગતુ જ ન હતું. તે શંકાસ્પદ પણ લાગતો ન હતો. તે પ્રમાણિકતાથી નોકરી કરતો હતો. એક સીધો સાદો દેખાતો વ્યક્તિ આટલા મોટા કૌભાંડમાં કેવી રીતે હોઇ શકે. અહીં તેનુ નામ યશપાલસિંહ ઠાકોર રજીસ્ટર કરાવેલુ છે, જેથી અમે તેના નામને લઇને પણ અસમંજસમાં હતા. વડોદરા શહેરના મેયર જિગીષાબેન શેઠે જણાવ્યું હતું કે, યશપાલસિંહે બોગસ દસ્તાવેજોથી નોકરી મેળવી હશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. યશપાલસિંહના ભાજપના ટોચના અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાની ચર્ચા ચાલી રહી છે.