અમદાવાદ : ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આજે બહુ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં અત્યારસુધી પકડાયેલા અને જેઓના નામ ખુલ્યા છે તે અને હવે આગળની તપાસમાં જેઓના નામ બહાર આવે તે તમામ ઉમેદવારોને આ વખતની લોકરક્ષક દળની પરીક્ષા માટે બ્લેકલીસ્ટ કરવા માટે પોલીસ દ્વારા લોકરક્ષક ભરતી બોર્ડને રિપોર્ટ સાથે લખવામાં આવશે.
એટલું જ નહી, માત્ર લોકરક્ષક દળ પરંતુ અન્ય જેટલા બોર્ડની પરીક્ષાઓ હશે તે તમામ માટે આ તમામ આરોપીઓને બ્લેકલીસ્ટ કરવા રજૂઆત કરાશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારસુધીની તપાસમાં ગુજરાતમાંથી ૨૫થી ૩૦ પરીક્ષાર્થી ઉમેદવારોને દિલ્હી લઇ જવાયા હતા અને વધુમાં તપાસમાં આ સિવાય બીજા પંદરથી વીસ ઉમેદવારોના નામ ખુલી શકે છે. ગુજરાતમાંથી કુલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ સુધી આ પેપરની આન્સરશીટ લીક થઇ પહોંચી છે.
પોલીસે દિલ્હી જઇને આન્સરશીટ જાઇને આવેલા ૨૫થી ૩૦ ઉમેદવારોની ઓળખ કરી લીધી છે અને તે સિવાયના બાકીના પંદર-વીસ ઉમેદવારોની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. ચાવડાએ સ્પષ્ટ કર્યું હતું કે, લોકરક્ષક દળની પરીક્ષા આગામી તા.૬ઠ્ઠી જાન્યુઆરીએ લેવાવાની છે ત્યારે આ પરીક્ષામાં હવે આ ૫૦ જેટલા ઉમેદવારો ના બેસી શકે અને જેન્યુઇન પરીક્ષાર્થી ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે આ ઉમેદવારોને લોકરક્ષક ભરતી બોર્ડ સહિતના તમામ બોર્ડની પરીક્ષાઓમાંથી બાકાત કરવા માટે બ્લેકલીસ્ટ કરવામાં આવશે.