અમદાવાદ : લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે. પેપર લીક થયું હોવાની આ ઘટનાની જાણ પરીક્ષા બોર્ડના ડાયરેક્ટર લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને થઈ કે, તેમણે તરત જ સીએમ રૂપાણીને અવગત કર્યા હતા. આધારભુત સુત્રોએ આ માહિતી આપી છે. રૂપાણીએ પરીક્ષા રદ્દ કરવાના બદલે પરીક્ષા લેવા માટે સુચના આપી હતી. પરંતુ વિકાસ સહાયે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.
આમ સમગ્ર પ્રકરણમાં મુખ્યમંત્રી અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય વચ્ચેના અલગ મતમતાંતર સામે આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવાદની ઐસી તૈસી કરી પોતાની સરકારનું વિચારી અને ભાજપની છબીનું વિચારી પરીક્ષા લેવાય તેવું ઇચ્છતા હતા અને પાછળથી પેપર લીક ઘટના અંગે દેખા જાયેગા તે મતલબનું વલણ દાખવ્યું હતુ, જયારે તેની સામે વિકાસ સહાયને ડર હતો કે, જા પેપર લીક થવાની ઘટના બહાર આવે તો બોર્ડના ડાયરેકટરની જવાબદારી બને તેમ હતું તો સાથે સાથે રાજયના લાખો ઉમેદવારો સાથે પેપર લીક થવા છતાં પરીક્ષા લેવાય તો ગંભીર છેતરપીંડી અને જેન્યુઇન ઉમેદવારો સાથે વિશ્વાસઘાત થાય તેમ હતું, તેથી ન્યાયના હિતમાં વિકાસ સહાયે બહુ મક્કમતા અને મર્દાનગી સાથે પરીક્ષા રદ કરવાનો આકરો નિર્ણય લીધો હતો.
જેની જેન્યુઇન ઉમેદવારોમાં ભારોભાર પ્રશંસા પણ થઇ રહી છે તો વિકાસ સહાયના આ નિર્ણયને પગલે ભાજપ આપોઆપ સમગ્ર કૌભાંડમાં સલવાઇ ગયું છે કારણ કે, તેના જ નેતાઓ અને આગેવાનો પેપર લીક કૌભાંડને અંજામ આપવામાં ચાવીરૂપ અને મહત્વની ભૂમિકા ભજવવામાં રંગેહાથ ઝડપાયા છે. ભાજપે આ તમામ લોકોને સસ્પેન્ડ તો કરી દીધા પરંતુ ભ્રષ્ટાચાર નાથવા મુદ્દે ગુજરાત સહિત દેશભરમાં બૂમરાણ મચાવતાં ભાજપ માટે ભ્રષ્ટાચારનું બૂમરેંગ સાબિત થયું છે, જેના કારણે ભાજપની પ્રતિષ્ઠા, ઇમેજ અને સંગઠનને બહુ મોટુ નુકસાન પહોંચ્યું છે. જેની ખુદ કેન્દ્રના મોવડીમંડળે પણ ગંભીર નોંધ લીધી છે તો, આ કૌભાંડને લઇ ગુજરાતની ભાજપ સરકાર હાલ તો આમાંથી બહાર નીકળવા અને સમગ્ર વિવાદ થાળે પાડવા શું કરવું તેની મથામણમાં માથુ ખંજવાળી રહી છે.