અમદાવાદ : લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક થવાને કારણે સમગ્ર પરીક્ષા રદ થયા બાદ ઘરે પરત ફરી રહેલા મહેસાણાના એક માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતું. મૃતક ઉમેદવારના પરિવારજનોને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઇ હતી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતક યુવાન જતીનસિંહ વિહોલના પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળની પરીક્ષાના દિવસે મૃતક જતીનસિંહ પોતાના અન્ય એક મિત્ર સાથે અમદાવાદથી બાઇક લઇને મહેસાણા લોકરક્ષક દળની પરીક્ષા આપવા ગયા હતા.
આ દરમિયાન ગાંધીનગરની બાલવા ચોકડી નજીક એસ.ટી. બસે પાછળથી ટક્કર મારી હતી. જેમાં સારવાર દરમિયાન જતીનસિંહનું મોત થયું હતું. જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો હતો. આ ઘટના બાદ બસ ડ્રાઇવર બસ મુકી ફરાર થઇ ગયો હતો. પરીક્ષા રદ થવાની બીજીબાજુ, માર્ગ અકસ્માતમાં પુત્ર ગુમાવનાર વિહોલ પરિવાર પણ જાણે આભ તૂટી પડયું હતું. ભોગ બનનાર યુવકના પરિવારજનોને સરકાર તરફથી યોગ્ય વળતર આપવા વિપક્ષ કોંગ્રેસ સહિત રાજયના લાખો ઉમેદવારોમાં માંગણી ઉઠી હતી, જેને લઇ આજે મુખ્યમંત્રીએ મૃતકના પરિજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી.