અમદાવાદ : લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં એલઆરડી પેપર લીક કૌભાંડમાં હાઇકોર્ટની સીટીંગ જજ મારફતે તપાસ કરાવવા ઉગ્ર માંગણી કરી હતી. ધાનાણીએ જણાવ્યું હતું કે, લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં ભાજપના મોટા માથાઓની સંડોવણી છે, સરકાર અને પોલીસ નાની માછલીઓ પકડીને સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓ સંડોવાયેલા હોઇ મોટા મગરમચ્છોને પકડવાની સરકાર કાર્યવાહી કરે. વિપક્ષના નેતાએ રાજયના નવ લાખ ઉમેદવારોની માફી માંગવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને કહી તેમના રાજીનામાની માંગણી કરી હતી.
ધાનાણીએ વધુમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થયા બાદ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ ઉમેદવારોનાં પરિવારોને આર્થિક સહાય આપવા રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે. ધાનાણીએ મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવા સરકારને કડક તાકીદ કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એલઆરડી પેપર લીક કૌભાંડ મામલે ભાજપ સરકારને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે બેરોજગારીના ખપ્પરમાં હોમાયેલા યુવાનોનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી ચુંટણી નજીક આવતા નોકરી આપવાના તાયફા જ કર્યા છે. અત્યાર સુધીમાં યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી પરીક્ષા રદ કરવી પડી છે કે ભરતી જ થઇ નથી. અગાઉ પંચાયત તલાટી તેમજ ટાટની પરીક્ષામાં બે મંત્રીઓની સંડોવણી સાથે ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. રાજ્ય સરકાર લાખો બેકાર યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનું જણાવતા તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપના કાર્યકરો દ્ધારા લાખો રૂપિયા ઉઘરાવી કમલમમાં ઠાલવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. જેનું કનેકશન સ્વર્ણિમ સંકુલમાં જોડાયેલું છે. આ ભરતી પ્રક્રિયા અત્યંત ખાનગી હોવા છતાં થયેલા પેપર લીકમાં સ્વર્ણિમ સંકુલમાંથી માર્ગદર્શન મળ્યું હોવાથી ભાજપના પાપનો ભાંડો ફૂટ્યો છે.
માછલાં પકડવાના બદલે મગરમચ્છ પકડવાનું કહેતા તેમણે ગૃહ વિભાગ સંભાળતા મુખ્યમંત્રીને સહેજ પણ શરમ હોય તો રાજીનામું આપવાની માંગણી કરી હતી. પરેશ ધાનાણીએ નવ લાખ ઉમેદવારોની માફી માંગવા સાથે દરેક ઉમેદવારોને રોકડમાં આર્થિક વળતર આપવા માંગણી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ કૌભાંડના કારણે યુવાનોમાં વ્યાપેલો રોષ ભાજપના કમળને જસદણથી લોકસભાની ચુંટણી સુધી કચડી નાખશે. જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે.