અમદાવાદ : લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આજે સાંજ સુધીમાં પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ થયો હતો કે, બાયડના અરજણ વાવ ગામનો રહેવાસી આરોપી મનહર રણછોડભાઈ પટેલ કે જે અગાઉ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે, તેણે આ લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કરવામાં બહુ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને તેણે ચિલોડા ખાતેની એક હોટલમાં ૫૦થી વધુ પરીક્ષાર્થી ઉમેદવારોને પૈસા લઇને પેપર લખાવ્યું હતું.
આ માટે તેણે હોટલમાં પૈસા ઉઘરાવવા માટે એક અલગ કાઉન્ટર નાંખ્યું હતુ અને પૈસા ઉઘરાવ્યા બાદ અન્ય રૂમમાં ઉમેદવારોને લઇ જઇ પેપર લખાવ્યું હતું. મનહર પટેલે ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયાની ઉઘરાણી કરાઇ હોવાની વાત સામે આવી રહી છે, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ટૂંકમાં ચિલોડાની આ હોટલમાં લોકરક્ષક દળના પેપર લીકને લઇ બહુ મહત્વની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હોટલમાં ભાજપના નેતા અને રિટાર્યડ પોલીસ અધિકારીની ભાગીદારી હોવાની વાત પણ સામે આવી રહી છે, તેથી ભાજપ સરકાર પર કૌભાંડની જવાબદારીનો ગાળિયો હવે વધુ કસાતો જાય છે.
કારણ કે, પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા મનહર પટેલ અને મુકેશ ચૌધરી ભાજપના જ નેતાઓ છે અને તેથી ભાજપની મુશ્કેલી એક પછી એક તબક્કે વધતી જાય છે. બીજી પણ ચોંકાવનારી પોલીસ તપાસમાં એ સામે આવી છે કે, અગાઉ આ જ મનહર પટેલનું નામ ટાટની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં ખૂલ્યું હતુ અને ખુદ એસપીને તે અંગે પત્ર મારફતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.
એ વખતે ચિલોડાની આ જ હોટલમાં ટાટની પરીક્ષાનું પેપર પણ ફોડવામાં આવ્યું હતું, પરંતુ તેમછતાં પોલીસ સત્તાધીશો દ્વારા એ વખતે જાઇએ તે પ્રકારના આકરી અને અસરકારક કાર્યવાહી કરવામાં નહી આવતાં મનહર પટેલ સહિતના આરોપીઓને લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક કરવાનું જાણે પ્રોત્સાહન મળી ગયું હતું. જા એ વખતે જ પોલીસ સત્તાધીશો તરફથી જા આકરી કાર્યવાહી ઉપરોકત ગુનેગારો સામે કરાઇ હોત તો આજે લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીકની ઘટના ઘટી ના હોત.
બીજીબાજુ, નારાજ ઉમેદવારોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી કે, જા અગાઉથી આરોપીઓના કૃત્યની જાણકારી અને ફરિયાદ મળી હતી છતાં પગલાં નથી લેવાયા તો, જવાબદાર અને કસૂરવાર પોલીસ અધિકારીઓથી માંડી સરકારના સત્તાવાળાઓ સામે આ માટે આકરી કાર્યવાહી કરી સબક સમાન પગલા લેવાવા જાઇએ.