અમદાવાદ : લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં પરીક્ષા રદ કરવામાં આવી તેનું પેપર ગુજરાત બહાર માત્ર એક સેટમાં જ છપાયેલું હતું. આ લીક થયેલું પેપર ગુજરાતમાં નહીં પરંતુ, ગુજરાત બહાર અન્ય કોઈ રાજ્યમાં છાપવામાં આવ્યું હતું એ મતલબની સ્પષ્ટતા આજે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે કરી હતી. વિકાસ સહાયે પેપર લીક થવાના પગલે એલઆરડી પરીક્ષા રદ કરવાને લઇ રાજયભરના લાખો ઉમેદવારો પરત્વે ભારે દુઃખ અને સંવેદનાની લાગણી પ્રગટ કરી હતી. સાથે સાથે તેમણે એ મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે, લોકરક્ષકની આ રદ કરાયેલી પરીક્ષા આગામી ૧૬ ડિસેમ્બરે લેવામાં આવવાની સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી વાત માત્ર અફવા જ છે અને તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે. લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં બરોબર સલવાયેલી રાજ્ય સરકાર તરફથી અંદાજે ૯ લાખ ઉમેદવારોને આશ્વાસન આપતા લોકરક્ષક ભરતી સમિતિના અધ્યક્ષ અને રાજ્યના એડીશનલ ડીજીપી વિકાસ સહાયે આ સમગ્ર ઘટનાને ખુબ જ દુખદ ઘટના ગણાવી હતી. આજે એક પત્રકાર પરિષદ સંબોધતા વિકાસ સહાય જણાવ્યું કે, લોકરક્ષકનું પેપર લીક થયું હોવાનું જણાતા જ મારી પાસે બે વિકલ્પ હતા. જેમાં આ પરીક્ષા ચાલુ રાખી ત્યારબાદ તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે અને બીજો વિકલ્પ પરીક્ષા રદ કરવામાં આવે. જેમાં ૫૦થી લઇ ૧૦૦-૧૫૦ જેટલા કૌભાંડી લોકોના કારણે અન્ય તેજસ્વી અને હોંશિયાર ઉમેદવારોને અન્યાય થાય નહીં તે માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પરીક્ષાનું પેપર માત્ર એક જ સેટમાં છપાયેલું હતું.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગાઉ ત્રણ સેટમાં પેપર છપાતા હતા. પરંતુ ઘણાં સમયથી હવે એક જ સેટમાં પેપર છપાતા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, આ પેપર ગુજરાતમાં નહીં પણ રાજ્ય બહાર છાપવામાં આવ્યું હતું. આ પેપર સ્ટ્રોંગ રૂમ અથવા અન્ય સ્થળેથી ક્યારે અને કેવી રીતે લીક થયું તેની સઘન અને ઝડપી તપાસ ચાલી રહી છે. આ પેપર કયા રાજ્યમાં છપાયુંથી લઇ અન્ય પ્રશ્નો અંગે તેમણે તપાસ સાથે આ ગુપ્ત બાબત હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. આ પેપર લીકમાં મુખ્યમંત્રી, રાજ્ય સરકારથી લઇ તમામ જવાબદારો સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ૯ લાખ જેટલા પેપર રાજ્ય બહાર છપાવવામાં આવ્યા હોય તો કેટલા દિવસ પહેલા અને કેવી રીતે ગુજરાત તેમજ પરીક્ષા કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા.? સ્ટ્રોંગ રૂમમાંથી કેટલા સમય પહેલા આ પેપર બહાર આવે છે. તેમજ મુખ્ય સુત્રધાર યશપાલે દિલ્હીમાંથી આ પેપર ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યું તે પણ તપાસનો મુખ્ય વિષય છે. સમગ્ર કૌભાંડને લઇ આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા છે.