પાલનપુર-અંબાજી રોડ ઉપર ત્રિપલ અકસ્માત : ત્રણ મૃત્યુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત કુલ ત્રણ વ્યકિતના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતના બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બીજીબાજુ, એક માસૂમ બાળક સહિત ત્રણના મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાલનપુર-અંબાજી રોડ પર ફોર લેન બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ કામને લઇ આ હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ નોંધાતી રહે છે પરંતુ તંત્ર દ્વારા તે પરત્વે ગંભીર દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે, આ હાઇવે પર આજે રતનપુર ગામ પાસે એક બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર એવા આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ વ્યકિતના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

અક્સ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા  એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને નજીકની પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. અકસ્માતના બનાવને પગલે આ રોડ પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. સ્થાનિકોએ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફોર લેનની કામગીરીની ગોકળગાય ગતિને લઇ કોન્ટ્રાકટર પર પણ માછલાં ધોયા હતા અને તેના પરત્વે પણ રોષ ઠાલવ્યો હતો. બીજીબાજુ, અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળક સહિત ત્રણનાં મોતને લઇ એકત્ર થયેલા લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

Share This Article