જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાએ રવિવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ કરતા સેનાના જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. જેની જાણકારી સેનાના પ્રવક્તાએ આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શાહપુર સેક્ટરમાં લગભગ ૨.૧૫ વાગ્યે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો હતો જ્યારે એલઓસીની રક્ષા કરી રહેલા સૈન્યના જવાનોએ ઘૂસણખોરોને ભારતીય બાજુમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોયા અને તેમને અટકાવ્યા હતા.
જમ્મુમાં સેનાના જનસંપર્ક અધિકારી, લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, સૈનિકોએ શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પૂંછમાં એલઓસી પર સરહદ વાડની નજીક ઘૂસણખોરોની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. લેફ્ટનન્ટ કર્નલ આનંદના જણાવ્યા અનુસાર, “ઓપરેશન દરમિયાન (ફાયરિંગના સ્થળે) એક લાશ મળી આવી હતી, અને અન્ય ઘુસણખોરો જંગલમાં ભાગી ગયા હતા. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, અને (ઘૂસણખોરોને પકડવા) સર્ચ ઓપરેશન ચાલુ છે.
અધિકારીઓએ કહ્યું કે, સેનાને ઘેરાયેલા વિસ્તારમાં વધુ બે પાકિસ્તાની ઘૂસણખોરોની હાજરીની શંકા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનમાં અંકુશ રેખાની મુલાકાત લીધી હતી, અને પાકિસ્તાનના ફોરવર્ડ ફોર્મેશન્સની મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ, આ પહેલા ૨૪ માર્ચે સેનાએ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તંગધારના જબડી વિસ્તારમાં સરહદ પર ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. તંગધારમાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી ત્રણ એકે-૪૭ રાઈફલ, ત્રણ પિસ્તોલ, ત્રણ મેગેઝિન, ૨ ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ અને ૨૦૦થી વધુ એકે-૪૭ રાઈફલની ગોળીઓ મળી આવી છે.