ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ પર એક યહૂદી તહેવારની તૈયારી દરમિયાન લોકો પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું, આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. હાલ આ ઘટનાને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે લોકો પર ગોળીબાર કરનાર બે બંદૂકધારી પિતા–પુત્ર હતા. ઉલ્લેખનીય છે કે કડક બંદૂક નિયંત્રણ કાયદા ધરાવતા દેશ ઓસ્ટ્રેલિયામાં લગભગ ત્રણ દાયકામાં આ સૌથી ઘાતક ગોળીબારની ઘટના હતી.
આ હુમલા અંગે ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનર માલ લેનિયનએ જણાવ્યું કે 50 વર્ષના બંદૂકધારી સાજિદ અકરમને પોલીસે ગોળી મારીને ઠાર કર્યો હતો. જ્યારે તેનો 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
પાકિસ્તાની નાગરિક હતા હુમલાખોરો
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ સાથે જોડાયેલા અમેરિકી ગુપ્તચર અધિકારીઓના હવાલાથી જણાવાયું છે કે બંને પાકિસ્તાની નાગરિક હતા. ન્યૂ સાઉથ વેલ્સમાં જાહેર અકરમના ડ્રાઇવિંગ લાઇસન્સની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સિડનીનો બોન્ડી બીચ ખૂબ જ પ્રસિદ્ધ છે અને રવિવારે ત્યાં ભારે ભીડ હતી. હુમલાખોરોએ લગભગ 10 મિનિટ સુધી ગોળીબાર કર્યો. જેના કારણે સૈંકડો લોકો રેતી પર અને આસપાસની સડકો પર આમ તેમ ભાગવા લાગ્યા. પોલીસના જણાવ્યા અનુસાર લક્ષિત હનુક્કા કાર્યક્રમમાં આશરે 1,000 લોકો હાજર હતા, જે દરિયાકાંઠા નજીક આવેલા એક નાના પાર્કમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
