વિદેશ અને સંરક્ષણ પ્રધાન સ્તરની મંત્રણા ભારત અને જાપાન વચ્ચે યોજાઈ છે. આવી પ્રથમ મંત્રણામાં સુરક્ષા વ્યવસ્થા અને સાથેસાથે વેપારના મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી. વિદેશ અને સંરક્ષણ મોરચા પર ભારત અને જાપાન વધુ નજીકના સંબંધ જાળવી રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. ભારત અને જાપાને આ વાતચીત દરમિયાન આતંકવાદી માળખા સામે વધુ નક્કર કાર્યવાહી કરવા પાકિસ્તાનને સૂચના આપી હતી. ગ્લોબલ એન્ટી ટેરર વોચડોગ ફાઈનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા લેવામાં આવેલા પગલા સહિત આતંકવાદને ખતમ કરવા આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતા સાથે આગળ આવવા પાકિસ્તાનને કહેવામાં આવ્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું
જ્યારે જાપાનનું નેતૃત્વ વિદેશમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જાપાનના સંરક્ષણમંત્રી તારોકોનો પણ આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સીન્જાઆબે વચ્ચે ગયા વર્ષે ભારત અને જાપાન વચ્ચે વાર્ષિક શિખર બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરુપે આ વિદેશ અને સંરક્ષણ પ્રધાનસ્તરની વાતચીતનો સિલસિલો શરૂ થયો છે. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રધાનોએ તમામ દેશોને એવી સૂચના આપી છે કે, આતંકવાદી હુમલા કરવા તેમના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં ન આવે તે હેતુસર પગલા લેવા જોઇએ. ભારત અને જાપાનને આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવા અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્ર્કચર તોડી પાડવા માટે તમામ દેશોને કહેવામાં આવ્યું છે. પ્રધાનોએ વધતી જતી આતંકવાદની સમસ્યા અને ખતરાને લઇને કઠોર પગલાની જરૂરીયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. પ્રધાને એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન સામે બેઠકમાં લાલઆંખ કરાઈ હતી.