શ્રીનગર : પાકિસ્તાની સેના દ્વારા છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને અનેક વખત ગોળીબાર કર્યો છે. આ ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. સાથે સાથે સેના પર એલર્ટ થઇ ગઇ છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. હાલમાં ત્રાસવાદીઓને મોટા પાયે ઘુસાડી દેવાના હેતુસર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે પાકિસ્તાની ત્રાસવાદીઓ અને ત્યાં બેઠેલા તેમના આકાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. એકપછી એક ત્રાસવાદીઓનો ખાતમો થઇ રહ્યો છે. ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે.
હાલમાં જ ડિસેમ્બર મહિમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઝહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા ટોળકી ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક લોકો સાથે સુરક્ષા દળોની સંઘર્ષની સ્થિતિ કલાકો સુધી રહી હતી. સ્થિતિ વણસી જતા સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
આ ગોળીબારમાં ૮ નાગરિકોના મોત થતા સ્થિતિ વધારે વિસ્ફોટક બની ગઈ હતી. કુખ્યાત આતંકવાદી જુહુર ઠોકરને ઠાર કરવામાં આવ્યા બાદ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને અથડામણ સ્થળ પર સ્થાનિક લોકો દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા જવાનોએ ગોળીબાર કરતા આઠ નાગરિકોના મોત થઇ ગયા હતા. સ્થાનિક લોકોનો ટેકો હજુ ત્રાસવાદીઓને મળી રહ્યો છે. જેના કારણે ત્રાસવાદીઓ તેમના ઇરાદામાં ઘણી વખત સફળ રહ્યા છે.