નવી દિલ્હી : આતંકવાદ વિરોધી વિભાગ દ્વારા કુખ્યાત ત્રાસવાદી હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ આને લઇને ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનની આ કાર્યવાહી ઉપર કોઇ કિંમતે વિશ્વાસ કરી શકાય નહીં તેમ ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કારણ કે, હાફિઝ ઉપર પહેલા પણ એક્શન લેવાના ડ્રામા થઇ ચુક્યા છે. બીજી બાજુ એમ કહેવામાં આવી રહ્યું છે કે, આર્થિકરીતે બર્બાદ થઇ રહેલા પાકિસ્તાને દુનિયાને ભ્રમમાં રાખવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હકીકતમાં પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સથી બ્લેક લિસ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે.
પાકિસ્તાની સમાચાર સંસ્થાના કહેવા મુજબ સઇદની ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે તે કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આર્થિકરીતે પાકિસ્તાન ખુબ મુશ્કેલીમાં છે જેથી તે આતંકવાદીઓને લઇને કાર્યવાહી માટે ભારે દબાણ હેઠળ છે. મુંબઈ હુમલાના વકીલ ઉજ્જવલ નિકમે પાકિસ્તાનની આ કાર્યવાહીને માત્ર નાટક તરીકે ગણાવી છે અને કહ્યું છે કે, મુંબઈ હુમલાના સંબંધમાં પાકિસ્તાનને પુરતા પુરાવા સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દબાણ સમક્ષ દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
પાકિસ્તાન હાફિઝની સામે કેટલા પુરાવા કોર્ટમાં રજૂ કરે છે અને તેને કેટલી સજા પડે છે તેના ઉપર નજર રહેશે. જો આવું નહીં થાય તો આ એક ડ્રામા તરીકે ગણવામાં આવશે. પાકિસ્તાને હાફિઝ જેવા સેંકડો ખુંખાર આતંકવાદીઓને પોતે પાળ્યા છે અને તેમનો ઉપયોગ ભારત, અફઘાનિસ્તાન અને ઇરાન જેવા દેશો સામે કર્યા છે. હવે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. બ્લેકલિસ્ટથી બચવા પાકિસ્તાને નાટક કર્યું છે.