નવી દિલ્હી : દેશભરમાં પુલવામામાં ત્રસવાદી હુમલા બાદ હજુ પણ લોકોમાં આક્રોશ અકબંધ છે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાની માંગ સતત ઉઠી રહી છે. એક પછી એક પગલાં ભારત સરકાર દ્વારા પણ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભારતે પુલવામા હુમલા બાદ તરત જ પાકિસ્તાનને આપવામાં આવેલો એમએફએનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. પાકિસ્તાનથી આવતી ચીજવસ્તુઓ પર ચાર્જમાં ૨૦૦ ટકાનો વધારો કર્યો હતો. આ ઉપરાંત પણ શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાનને આપવામાં આવતું પાણી પણ બંધ કરવામાં આવ્યું છે. તમામ રમતોમાં સંબંધો તોડવામાં આવ્યા છે.
આ ઉપરાંત પણ ભારત સરકારે વાતચીતના તમામ રસ્તા બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં લોકોના આક્રોશ વચ્ચે હજુ પણ વધુ પગલાંઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓને બોધપાઠ ભણાવવા કાર્યવાહી ક્યારે થશે તેને લઈને હજુ પણ લોકો રાહ જાઈ રહ્યા છે. મોદી સરકાર અનેક વખત કહી ચુકી છે કે શહીદ થયેલા જવાનોની સેવા વ્યર્થ જશે નહીં. વડાપ્રધાન મોદી કહુ ચુક્યા છે કે આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સેનાને કાર્યવાહી કરવા માટેની છુટ આપવામાં આવી ચુકી છે. મોદી એમ પણ કહી ચુક્યા છે કે સીઆરપીએફના કાફલા પર હુમલો કરીને આતંકવાદીઓ ખૂબ મોટી ભુલ કરી ચુક્યા છે અને આની કિંમત પાકિસ્તાની ત્રાસવાદીઓને ચુકવવી પડશે. મોદીના આવા સંકેત બાદથી દેશના લોકો માની રહ્યા છે કે ટુંક સમયમાં જ પાકિસ્તાનને ચોક્કસપણે બોધપાઠ ભણાવવામાં આવશે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે હુમલો કરાયા બાદથી અવિરત રોષ પાકિસ્તાનની સામે લોકોમાં જોવા મળી રહ્યો છે.