જમ્મુ : પાકિસ્તાની સેના દ્વારા અંકુશ રેખા પર સ્થિત રહેતા લોકોને ટાર્ગેટ બનાવીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પુલવામા હુમલા બાદ જવાબી કાર્યવાહી રૂપે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓનો સફાયો કર્યા બાદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારે કફોડી હાલત થઇ છે. આવી સ્થિતીમાં તે અપમાનનો બદલો લેવા માટે ભારતને નુકસાન પહોંચાડવા ગતિવિધી જારી રાખી છે. જેના ભાગરૂપે સરહદ પર ગોળીબાર જારી રાખ્યો છે. ૨૬મી ફેબ્રુઆરી બાદથી ૪૦થી વધુ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. જેથી નાગરિકોમાં વ્યાપક દહેશત પણ છે. કેટલાકને ઇજા પણ થઇ છે.
અધિકારીઓએ કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ રાત્રી ગાળા દરમિયાન ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત થયા છે. આજે અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી. પાકિસ્તાની સેનાએજમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજારીમાં અંકુશરેખા ઉપર જારદાર ગોળીબાર ગઇકાલે પણ કર્યો હતો. યુદ્ધવિરામનો ભંગ કરીને નાના અને મોટા હથિયારો સાથે ગોળીબાર કરવામાં આવ્યો હતો. વારંવાર યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેનાએ જારદાર જવાબ આપ્યો હતો. પૂંચના સુંદરબાની, ખાડીકરમારા, દેગવાર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આયો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગોળીબારના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
આજે સવારથી જ ગોળીબાર શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રહ્યો હતો. નૌશેરા અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં પણ ગોળીબાર કરાયો હતો. સંરક્ષણ પીઆરઓના કહેવા મુજબ પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી રાજારી અને પૂંચ જિલ્લામાં અંકુશરેખાથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે.
ગોળીબાર દરમિયાન પોતાના ઘરમાં રહેવા ગામવાળાઓને ભારતીય સેનાએ સૂચના આપી છે. તોપમારા વચ્ચે બહાર ન ફરવા લોકોને કહેવામાં આવ્યું છે. પાકિસ્તાને ૨૦૧૮માં ૨૯૯૬ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ વર્ષે પણ અવિરત યુદ્ધવિરામનો ભંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે.