પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. એકબાજુ અમેરિકા સહિતના દેશો તરફથી જોરદાર દબાણ બાદ તેમના પર ત્રાસવાદીઓ સામે પગલા લેવાની ફરજ પડી રહી છે. આના કારણે દેશમાં તેમની સામે કટ્ટરપંથીઓમાં નારાજગી વધી રહી છે. બીજી બાજુ વિશ્વના દેશો સમક્ષ ત્રાસવાદને લઇને તેમને ખુલાસા કરવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યા બાદ તેની સંપત્તિ અને તેની ગતિવિધી પર બ્રેક મુકવા ઇમરાન સરકાર હવે મજબુર છે.
જેથી તેમની મનોદશા આગામી દિવસોમાં વધારે ખરાબ થઇ શકે છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે જે રીતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા હતા ત્યારબાદથી તેમની સ્થિતી આંતરરાષ્ટ્રીય મંચ સમક્ષ ખુલી પડી ગઇ હતી. કારણ કે ચીન સિવાય કોઇ દેશ પાકિસ્તાનના બચાવમાં આવ્યા ન હતા. હવે તો વિશ્વના દેશો સામે ઇમરાન શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયા છે. તેમના પર દેશના લોકો દ્વારા પણ વ્યાપક દબાણ છે. પાકિસ્તાનમાં ચૂંટણી બાદ ઇમરાનની પાર્ટી તહેરીકે ઇન્સાફને સૌથી વધારે બેઠકો મળી હતી. સાથી પક્ષોના સહકાર સાથે ઇમરાન ખાન વડાપ્રધાન બની ગયા હતા.
વિતેલા વર્ષોના સ્ટાર ખેલાડી ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ તમામ લોકો માની રહ્યા હતા કે સંબંધોમાં સુધારો થઇ શકે છે. જા કે આ આશા પૂર્ણ થઇ ન હતી. કારણ કે ઇમરાન પણ ત્રાસવાદના મુદ્દા પર અગાઉના વડાપ્રધાન જેવા જ નબળા પુરવાર થઇ રહ્યા છે. ઇમરાનની સરકાર બન્યા બાદ પણ ત્રાસવાદી ગતિવિધી જારી રહી છે.હાલમાં જે રીતે વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે તેનાથ લાગે છે કે ઇમરાનની મનોદશા દુવિધાવાળી બનેલી છે. સેના અને કટ્ટરપંથીઓની મદદથી ઇમરાન ખાનની સામાન્ય ચૂંટણીમાં જીતી થઇ હતી. ઇમરાનની વારંવાર બદલાતી ઇચ્છા પાછળ કટ્ટરપંથીઓનુ દબાણ હોઇ શકે છે તેવા અહેવાલ પણ કેટલીક વખત આવી રહ્યા છે. સાથે સાથે ઇમરાનના વલણને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે.
પાકિસ્તાનમાં ઘુસી ભારતીય હવાઇ દળે તમામ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાન હવે કઇ રીતે આગળ વધે છે તેના પર તમામની નજર છે. આવી સ્થિતીમાં ઇમરાનની દુવિધાને સમજી શકાય છે.આવનાર દિવસોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ત્રાસવાદના મુદ્દા પર વધારે પડકારનો સામનો કરવો પડી શકે છે. જે રીતે પુલવામાં હુમલા બાદ મોદી સરકાર આક્રમક ઇરાદા સાથે વધી હતી તેના કારણે તેમની રાજદ્ધારી મોરચા પર પણ નિષ્ફળતા દેખાઇ આવી છે. પાકિસ્તાનમાં હજુ ત્રાસવાદી આકા સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે આવી સ્થિતીમાં તેમના માટે વધુ કઠોર પગલા લેવા માટેની બાબત વધારે મુશ્કેલરૂપ અને પડકારરૂપ રહેશે.