પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ૩ બિલિયન ડોલરથી નીચે આવી ગયું છે, જેના કારણે તેને આર્થિક પતનથી બચવા માટે નાણાકીય સહાય અને બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ તેને આ પેકેજ સરળતાથી મળી રહ્યું નથી, કારણ કે IMF-પાકિસ્તાનની ડીલ નિષ્ફળ ગઈ છે. IMFએ પાકિસ્તાન સામે કડક શરતો મૂકી છે, જેને તે સ્વીકારવા મજબૂર છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, IMFની એક ટીમે ૧૦ દિવસ માટે ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. નાણામંત્રી ઇશાક ડારે કરાર દરમિયાન પાકિસ્તાની પક્ષનું નેતૃત્વ કર્યું હતું. IMFની ટીમ ૧૦ દિવસથી પાકિસ્તાનમાં છે, પરંતુ બંને પક્ષો દ્વારા થઈ રહેલી ચર્ચાનું કોઈ પરિણામ આવ્યું નથી.
નાણા પ્રધાન ઇશાક ડારે IMF મિશનના વડાને ‘સંરક્ષણ બજેટમાં કાપ મૂકવા’ની શરત દૂર કરવા વિનંતી કરી, ત્યારબાદ IMFના વડાએ વાતચીત અટકાવી દીધી અને કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પાકિસ્તાન છોડવાનો ર્નિણય કર્યો હતો. ડારે તેમને કહ્યું કે, આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સત્તાવાર મુલાકાતે યુકેમાં છે અને સરકારને તેમની સાથે સંરક્ષણ બજેટ પર ચર્ચા કરવા માટે થોડો સમય જોઈએ છે. IMF તેની શરતો પર અડગ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા ગંભીર મુશ્કેલીમાં છે, જે ચૂકવણીના સંતુલન કટોકટી અને ઉચ્ચ સ્તરના બાહ્ય દેવાથી પ્રભાવિત છે. આ દરમિયાન, પાકિસ્તાનની વિદેશી હૂંડિયામણ અનામત ૩ ફેબ્રુઆરીના રોજ ૫.૫ ટકા અથવા ૧૭૦ અરબ ડોલર ઘટીને ૨.૯૧ અબજ ડોલર થઈ હતી, જેમાં કોમર્શિયલ બેંકોના ૫.૬૨ બિલિયન ડોલરનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ગુરુવારે આ જાણકારી આપી.