ઇસ્લામાબાદ : પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે હાલમાં પોતાના પૂર્વીય હવાઇ ક્ષેત્રને ખોલવા માટે તૈયાર નથી. ભારત દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ પાકિસ્તાન હજુ ફફડી રહ્યુ છે. પાકિસ્તાને તેની પૂર્વીય હવાઇ સીમાને ન ખોલતા ભારતમાંથી જતા અને આવતા વિમાનો પાકિસ્તાનના હવાઇ ક્ષેત્રમાંથી આવી રહ્યા નથી. જેના લીધે વિમાનોને લાંબા રૂટ પરથી જવાની ફરજ પડી રહી છે. હવે પાકિસ્તાને તેના હવાઇ ક્ષેત્રને ખોલવા માટે નવી શરત મુકી દીધી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જા ભારત બાલાકોટ જેવા હવાઇ હુમલા ફરી કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપે તો તે તેના હવાઇ ક્ષેત્રને ખોલશે.
જા કે ભારત આવી કોઇ શરત માને તેવી શક્યતા ઓછી છે. પાકિસ્તાને આ પ્રતિબંધ ૨૮મી જુન સુધી વધારી દીધો છે. માનવામાં આવે છે કે પાકિસ્તાન હવે એ સમય સુધી તેના હવાઇ ક્ષત્રેને ખોલશે નહીં જ્યાં સુધી ભારત તરફથી કોઇ ખાતરી મળશે નહીં. તમામ લોકો સારી રીતે જાણે છે કે પાકિસ્તાને ૨૬મી ફેબ્રુઆરીના દિવસે તેના હવાઇ ક્ષેત્રને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એ વખતે ભારતે બાલાકોટમાં ઘુસીને જેશના ત્રાસવાદી અડ્ડા પર ભીષણ હુમલા કરી દીધા હતા.
સાથે સાથે પુલવામા હુમલાનો બદલો લેવામાં આવ્યો હતો. હવાઇ હુમલાના ૧૨ દિવસ પહેલા જ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે આત્મઘાતી હુમલો સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.૨૬મી ફેબ્રુઆરીના દિવસે હુમલા બાદ ૨૭મીએ પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં ઘુસણખોરી કરીને ભારતીય સેન્ય સ્થળોને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કર્યા હતા.