નવીદિલ્હી: રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી ઉપર પાક કનેક્શન હોવાના આક્ષેપ કર્યા હતા. ભાજપે કહ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ મંત્રીઓટ્વીટ કરીને કહી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમો રાહુલ માટે પ્રચારમાં લાગેલી છે. પાકિસ્તાન તરફથી પ્રચાર થઇ રહ્યું છે.
ભાજપે ૨૦૧૪થી પહેલાનો એક વિડિયો દર્શાવીને પુરાવા આપવાના પ્રયાસ કર્યા હતા જેમાં મોદી તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને ગ્રામિણ મહિલા કહેવા પર નવાઝ શરીફને ફટકારતા નજરે પડી રહ્યા હતા. ભાજપે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને મોદીમાં આજ અંતર રહેલું છે. કોંગ્રેસ પાર્ટીને આ બાબતથી બોધપાઠ લઇને આગળ વધવાની જરૂર છે.
ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું હતું કે, પાકિસ્તાનના સૂચનામંત્રીએ રાહુલ ગાંધીના ટ્વીટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક ટ્વીટ કરી રહ્યા છે. રાહુલ ગાંધી દેશના આગામી વડાપ્રધાન બનશે અને મોદી રાહુલથી ભયભીત છે તેવા પ્રચાર થઇ રહ્યા છે. રાહુલ ગાંધી માટે પાકિસ્તાન તરફથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે.
પાત્રાએ કહ્યું હતું કે, ઇમરાન ખાન પણ ટ્વીટ કરીને મોદીની ટીકા કરી ચુક્યા છે. રાહુલ ગાંધી આગળ વધે તેમ ઇચ્છનાર લોકો પાકિસ્તાની કેમ છે. ચોક્કસ સમાજને ખુશ કરવા માંગતા લોકો ઇચ્છે છે કે, રાહુલ ગાંધી આગળ વધે. બીજી બાજુ સત્યની સાથે રહેલા લોકોની સંખ્યા વધારે છે.