યુદ્ધવિરામનો ભંગ કરી ફરી પાકિસ્તાને કરેલ ગોળીબાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં આજે સવારે એક જવાન શહીદ થયો હતો. સવારમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને કુપવાડાના માછિલ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ક્રોસ બોર્ડર  ગોળીબારમાં ભારતીય સેનાના જવાન શહીદ થયો હતો. શહીદ થયેલા જવાનની ઓળખ ૫૭ આરએસના લાન્સ નાયક રાજેન્દ્ર સિંહ તરીકે થઇ છે. કુપવાડામાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખુબ તંગ બનેલા છે.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચે વિસ્ફોટક સ્થિતી વચ્ચે આ હુમલાના જવાબમાં ભારતીય હવાઇ દળે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી સ્થિતી તંગ બની ગઇ છે.

પાકિસ્તાની ત્રાસવાદીઓ વારંવાર સ્થિતીનો લાભ ઉઠાવીને હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જો કે સુરક્ષા જવાનોએ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જો કે ત્રાસવાદીઓ હજુ પણ પ્રયાસ કરી રહ્યા છે. ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે વારંવાર ગોળીબાર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવે છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવાના બદલે પાકિસ્તાની સેના ત્રાસવાદીઓને મદદ કરે છે.પાકિસ્તાને આજે ગોળીબાર કરતા તંગદીલી ફરી એકવાર વધી ગઇ છે.

Share This Article