પુલવામા આત્મઘાતી હુમલા બાદ ભારત દ્વારા તેના વિસ્તારમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હોવા છતાં પાકિસ્તાન પર કોઇ અસર વધારે દેખાઇ રહી નથી. ભારત દ્વારા સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટી ઉતારી દેવા અને વૈશ્વિક સમુદાય દ્વારા ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની સતત ધમકી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાન કોઇ પગલા લઇ રહ્યુ નથી. પાકિસ્તાનમાં મસુદ સહિતના ત્રાસવાદી અને અપરાધી હોવા છતાં તમામ ત્રાસવાદીઓ ખુલ્લી રીતે ફરી રહ્યા છે. ત્રાસવાદને લઇને પાકિસ્તાનને ધમકી આપતા આપતા અમેરિકા પોતે થાકી ગયુ છે પરંતુ પાકિસ્તાન પર તેની કોઈ પણ અસર દેખાતી નથી. અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે તમામ પ્રયોગ અને પોતાની પાસેના તમામ વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે પરંતુ તેના પર કોઇ અસર દેખાતી નથી.
અમેરિકાએ જંગી સહાય રોકવાની પણ વાત કરી છે પરંતુ તેની અસર પણ દેખાઇ નથી. ભારતના જુદા જુદા ભાગો અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં કરવામાં આવેલા હુમલામાં કોઇને કોઇ રીતે પાકિસ્તાનના કનેક્શન ચોક્કસપણે નિકળે છે.પાકિસ્તાનમાં મસુદ અઝહર, હાફિઝ સઇદ સહિતના ખતરનાક ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે પરંતુ પાકિસ્તાન કોઇ પગલા લેવાની હિમ્મત કરી શકતુ નથી. ભારતમાં પુલવામા, ઉરી ત્રાસવાદી હુમલા, અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા, સેનાના કેમ્પ પર વારંવાર હુમલા, પઠાણકોટ, સીઆરપીએફના કાફલામાં ભીષણ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાન સ્થિત સંગઠનની સંડોવણી ખુલ્યા બાદ અમેરિકાએ અનેક વખત પાકિસ્તાનને કઠોર કાર્યવાહી કરવા સુચના આપી છે પરંતુ તેના પર હજુ કોઇ અસર દેખાઇ રહી નથી. વિશ્વનુ દબાણ પર કામ કરી રહ્યુ નથી. નવેસરના અમેરિકી રિપોર્ટમાં આ જ બાબત સપાટી પર આવે છે જેમાં જાણી શકાય છે કે આતંકવાદની સામે પાકિસ્તાન દેખાવા પૂરતી લડાઈ લડી રહ્યુ છે. એટલે કે એવા જ આતંકવાદી સંગઠનોની સામે કાર્યવાહી કરી રહ્યુ છે જે તેના માટે ખતરા સમાન બની ગયા છે. લશ્કરે તોયબા જેવા સંગઠનોની સામે કાર્યવાહી તો દૂરની રહી પરંતુ તે તેમને મદદ પણ કરી રહ્યુ છે.
રિપોર્ટમાં આ વાતની પણ કબૂલાત કરવામાં આવી છે કે ભારત લાંબા સમયથી આતંકવાદનો શિકાર રહ્યુ છે. સૌથી મોટી ચિંતા આ વાતની છે કે પાકિસ્તાન અને તેના જેવા અનેક દેશો આતંકવાદની સામે લડાઈનું નાટક કરીને સાથે સાથે મદદ પણ કરી રહ્યા છે. આતંકવાદીઓની મદદ કરવામાં પણ આ દેશો પાછળ રહ્યા નથી. પાકિસ્તાનની સામે થનાર ત્રાસવાદ તો દેખાય છે પરંતુ બીજા દેશોમાં હુમલા કરનાર ત્રાસવાદી સંગઠનો દેખાતા નથી. પાકિસ્તાન અને તેના જેવા બીજા દેશોને સમજવું જાઈએ કે બે દૃષ્ટિકોણથી નિહાળીને ત્રાસવાદને ખતમ કરવાની બાબત અશક્ય છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાને ભારતની સામે જે આંતકવાદી સંગઠનોને જન્મ આપવામાં ભૂમિકા ભજવી છે તે પૈકી કેટલાક સંગઠન પાકિસ્તાનના પણ દુશ્મન બની ગાય છે. પોતાની ભૂલની કિંમત પાકિસ્તાન પોતે પણ ચૂકવી રહ્યુ છે અને આગળ પણ પાકિસ્તાનને આની કિંમત ચૂકવવી પડશે.