પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ભારે મોર્ટારમારો કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવીને પાકિસ્તાને આ તોપમારો કર્યો હતો, જેને પગલે અહીંના ગામડાઓમાં રહેતા એક જ પરીવારના પાંચ લોકોના મોત નિપજ્યા હતા. પાંચમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
વહેલી સવારે ચાલુ થયેલો ગોળીબાર ચાર કલાક સુધી ચાલ્યો હતો. આ ગોળીબારને પગલે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જે પણ લોકો માર્યા ગયા છે તેમને સહાય કરવાની જાહેરાત કરી હતી. જોકે ફરી મેહબુબાએ પાકિસ્તાનને સીધી રીતે જવાબદાર ઠેરવવાને બદલે શાંતીની વાતો કરી હતી, તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત બન્નેએ વાતચીતથી જ સમગ્ર મામલાનું સમાધાન કરવું જોઇએ.
સૈન્યના પીઆરઓ લેફ્ટનન્ટ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે સરહદે જે પ્રકારનો ગોળીબાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ભારત સહન નહીં કરે. વહેલી સવારે ૭ કલાકે આ ગોળીબાર શરૃ થયો હતો જે ૧૧.૩૦ કલાક સુધી ચાલ્યો હતો, ભારતીય ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના પીઆરઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત થઇ રહેલ શસ્ત્ર વિરામનો ભંગ બહુ જ ગંભીર બાબત છે, ભારતીય વિસ્તારમાં ત્રણથી ચાર કીમી અંદર સુધી આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં ૨૬થી વધુ ભારતીયોનો ભોગ સરહદે પાકિસ્તાન સૈન્યએ લીધો છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા સતત ગોળીબાર થઇ રહ્યો છે. આ વખતે ગયા વર્ષ કરતા વધુ પ્રમાણમાં ગોળીબાર કરી રહ્યું છે. છેલ્લા બે માસમાં જ ૬૩૩ પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. આ માહિતી ખુદ સરકારે જ લોકસભામાં આપી હતી. આ વર્ષે જ ૬૩૩ વખત પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વીરામનો ભંગ કરવામાં આવ્યો છે.