નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના મુદ્દા પર દુનિયામાં અલગ પડી ચુકેલા પાકિસ્તાનને હવે સંયુક્ત રાષ્ટ્રમાં પણ મોટો ફટકો પડ્યો છે અને તેને પછડાટનો સામનો કરવો પડ્યો છે. પોતાના નજીકના મિત્ર ચીન સાથે મળીને પાકિસ્તાને સંયુક્તરાષ્ટ્રમાં ભારતની સામે કાવતરૂ ઘડ્યુ હતું પરંતુ ભારતની રાજદ્ધારી નીતિની સામે ચીન અને પાકિસ્તાનને પીછેહટનો સામનો કરવાની ફરજ પડી છે. ભારતની આક્રમકની નીતિના પરિણામ સ્વરૂપે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાને પ્રસંશા થઈ છે.
સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ આ બેઠક અને આ મુદ્દા પર પાકિસ્તાનની રજુઆતને ફગાવી દીધી હતી. ભારતે બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલા બંધારણીય ફેરફારો ભારતનો આંતરિક મામલો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે આને કોઈ લેવા દેવા નથી. ચીને પાકિસ્તાનને સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની યોજના નિષ્ફળ ગઈ હતી. ભારતે ચીન અને પાકિસ્તાનના દાવાને ફગાવી દઈને જોરદાર રજુઆત કરી હતી. પાકિસ્તાન તરફથી દુત મલિહા લોધી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કાશ્મીરનો મામલો આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. સંયુક્ત રાષ્ટ્રના ૧૫ સભ્યોની આ બેઠક બંધ બારણે યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ મતદાન થયું ન હતું. કોઈ પ્રસ્તાવ પણ આવ્યો ન હતો. બીજી બાજુ ભારત તરફથી તેના સ્થાયી પ્રતિનિધિ અકબરુદ્દીને સ્પષ્ટતા કરી હતી કે, જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે.
ભારતની કુટનીતિ એ હદે સટીક હતી કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવાના નવી દિલ્હીના પ્રયાસોની ભરપુર પ્રસંશા કરવામાં આવી હતી. ભારતે યુએનએસસીની બંધ બારણે થયેલી બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવેલા બંધારણીય ફેરફાર ભારતની આતંરિક બાબત છે અને તેનો આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કોઈ જ સંબંધ નથી. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનએસસીના સ્થાયી સભ્ય ચીન અને પાકિસ્તાનના પ્રયાસો ધરાસાયી થઈ ગયા હતા.
આ બેઠકના લીધે ચીન અને પાકિસ્તાનની વધુ એક ફજેતી થઈ હતી. ઉપરથી ભારતે ચીન પાકિસ્તાન વિરૂદ્ધ પોતાનો પક્ષ મજબુતીથી રજુ કરીને દુનિયાને એક સંદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને સલાહ આપી હતી કે બેઠક બાદના ઘટનાક્રમ વિશે અનૌપચારીક જાહેરાત યુએનએસસી અધ્યક્ષ જાએના રોનિકા કરે. જોકે, ચીનને આ મામલે કોઈ બીજા દેશનું સમર્થન સુદ્ધા મળ્યું નહોતું. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદુત જિયાંગ જુને મીડિયામાં દાવો કર્યો હતો કે, યુએનએસસીના સભ્યોએ જમ્મુ કાશ્મીરના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.