પાકિસ્તાન અંતે ઝુક્યુ : વિમાન માટે એરસ્પેસને ખોલતા રાહત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાને આશરે પાંચ મહિનાના ગાળા બાદ પોતાની એરસ્પેસને ખોલી દીધી છે. તમામ એરલાઇન્સ માટે પૂર્ણ રીતે પોતાની એરસ્પેસને ખોલી દેતા ભારતને રાહત રહેશે. બાલાકોટમાં ઘુસીને ભારતે હવાઇ હુમલા કર્યા બાદ પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. થોડાક દિવસ પહેલા પાકિસ્તાને કહ્યુ હતુ કે તે એ વખત સુધી એરસ્પેસને ખોલશે નહીં જ્યાં સુધી ભારત પોતાની અગ્રીમ પોસ્ટથી યુદ્ધવિમાનોને હટાવશે નહીં.

પાકિસ્તાને હવે યુ ટર્ન લઇને કહી દીધુ છે કે એરસ્પેસ બંધ હોવાથી પાકિસ્તાનને ખુબ નુકસાન થઇ રહ્યુ છે. અર્થવ્યવસ્થાના મોરચા પર ખરાબ દોરમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનને છેલ્લા પાંચ મહિનાના ગાળામા જ અબજો ડોલરનુ નુકસાન થઇ ગયુ છે. આવી સ્થિતીમાં તે વધારે સમય સુધી એરસ્પેસને બંધ રાખવાની સ્થિતીમાં ન હતુ. પાકિસ્તાને ભારતીય સમય મુજબ મધ્યરાત્રીએ ૧૨.૩૮ વાગે પાયલોટ માટે પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ નહીં કરવાના આદેશને પરત લઇ લીધો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે હવે એરલાઇન્સ પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરીને આગળની યાત્રા કરી શકે છે. પાકિસ્તાનને એરસ્પેસ બંધ કરવામાં આવ્યા બાદ ૬૮૮ કરોડનો ફટકો પડી ચુક્યો છે. પુલવામાં ખાતે પાકિસ્તાની ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલો કરીને ૪૦ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના મોત થયા હતા. ત્યારબાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધ ખરાબ હતા.

Share This Article