ઇસ્લામાબાદ : મુંબઈમાં ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદની આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જા કે, આ કોઇ પાકિસ્તાનની ચાલ છે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી માહિતી મળી શકી નથી. પાકિસ્તાન ઉપર આતંકવાદીઓની ધરપકડ કરવા ભારત અને અમેરિકા સહિતના દેશો તરફથી દબાણ વધી રહ્યું છે.
આવી સ્થિતિમાં આજે પાકિસ્તાનમાં હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને ભારતમાં આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ રહેલો છે. તેની સામે અનેક પેન્ડિંગ કેસો રહેલા છે. લાહોરથી ગુજરાનવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદ વિરોધી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા માટે લાહોરથી ગુજરાનવાલા જતી વેળા તેની ધરપકડ કરી લેવાઈ હતી. તેને જ્યુડિશિયલ રિમાન્ડ ઉપર તરત જ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ધરટ્ઠાવનાર કોટલખપત જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાફિઝ સઇદના નેતૃત્વમાં જમાત ઉદ દાવા લશ્કરે તોઇબા માટે ફ્રન્ટ સંગઠન તરીકે કામ કરે છે. લશ્કરે તોઇબા વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. અમેરિકી વિભાગે હાફિઝ સઇદને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરી દીધો છે.
વર્ષ ૨૦૧૨ બાદથી તેને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યો છે. તેના ઉપર માહિતી આપનારને ૧૦ મિલિયન ડોલરનું ઇનામ પણ અમેરિકાએ જાહેર કર્યું હતું. હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી દબાણ હેઠળ પાકિસ્તાની સત્તાવાળાઓએ આતંકવાદી ગતિવિધિ માટે ફંડ એકત્રિત કરવા ટ્રસ્ટનો ઉપયોગ કરવા તેમના ખાતાઓ જાળવવાના મામલામાં લશ્કરે તોઇબા, જમાદ ઉદ દાવા અને તેની ચેરિટીમાં તપાસ હાથ ધરી હતી. ટેરર ફાઈનાન્સિંગ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ હાફિઝ સઇદની ધરપકડ કરવામાં આવી છે. જમાત ઉદ દાવાના લીડર અને તેના ૧૨ સાગરિતો સામે ૨૩ કેસો દાખલ કરવામાં આવી ચુક્યા છે.
આતંકવાદી શકમંદો માટે ફંડ એકત્રિત કરવા પાંચ ટ્રસ્ટનો ઉપયોગ કરવાનો તેના ઉપર આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. સોમવારના દિવસે લાહોરમાં એન્ટી ટેરેરિઝમ કોર્ટ દ્વારા જમાત ઉદ દાવાના લીડર અને અન્ય ત્રણને ધરપકડ પહેલાના જામીન આપી દીધા હતા. એટીસી જજ દ્વારા હાફિઝ સઇદ અને અન્ય ત્રણ સાગરિતોને ધરપકડ કરવાના જામીન આપ્યા હતા જેમાં હાફિઝ મસુદ, આમીર હમઝા અને મલિક ઝફરનો સમાવેશ થાય છે. સીટીડી દ્વારા હાફિઝ સઇદ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. લાહોરમાં ગેરકાયદે જમીન કબજે કરવાના મામલામાં પણ હાફિઝ સામે કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. જમાત ઉદ દાવાના નેટવર્કની વાત કરવામાં આવે તો તેના ૩૦૦ સેમિનાર, સ્કુલો, હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સર્વિસ ચાલે છે.