નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરના મામલામાં વધી રહેલા ટેન્શન વચ્ચે પાકિસ્તાને અંકુશરેખા અને આસપાસના વિસ્તારોમાં ભારત માટે વધુ મુશ્કેલી ઉભી કરવાની તૈયારી કરી લીધી છે. પાકિસ્તાને અંકુશરેખા ઉપર વધુ એક બ્રિગેડની તૈનાતી કરી દીધી છે. આ જવાનોને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં એલઓસીના બાગ અને પોટલી સેક્ટરોની નજીક ગોઠવવામાં આવ્યા છે. તેમને પાકિસ્તાની સેનાએ હાલમાં આક્રમક મોરચા ઉપર તૈનાત કર્યા છે. ભારતીય સેનાના સુત્રોના કહેવા મુજબ પાકિસ્તાને એલઓસીની ૩૦ કિલોમીટરની હદમાં આ સૈનિકોની તૈનાતી કરી દીધી છે.
એમ માનવામાં આળે છે કે, હાલમાં પાકિસ્તાને આ જવાનોને અગ્રિમ મોરચા ઉપર તૈનાત કર્યા છે. તેમના ઉપર નજર પણ રાખવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ એવા સમયમાં મુવમેન્ટ વધારી છે જ્યારે સમગ્ર વિસ્તારમાં ખૂંખાર ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબા અને જૈશના સ્થાનિક અને અફઘાન યુવાનોને આતંકવાદી તાલિમ આપવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ખુબ જ પરેશાન છે.
ભારતીય સેનાના સુત્રોના કહેવા મુજબ આ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા ૨૦૦૦ની આસપાસની છે. પાકિસ્તાની સેનાએ એવા સમયમાં એલઓસી પર જવાનોની સંખ્યામાં વધારો કરી દીધો છે જ્યારે તેઓ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદને પ્રોત્સાહન આપવાની તૈયારી છે. આ ઉપરાંત પાકિસ્તાન દુનિયાભરનું ધ્યાન ખેંચવા માટે ઇચ્છુક છે. સામાન્યરીતે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાને એલઓસી પર કમાન્ડોની તૈનાતી પણ કરી છે. ભારતની જવાબી કાર્યવાહીમાં હાલમાં પાકિસ્તાનમાં ૧૦ એસએસજી કમાન્ડો પણ માર્યા ગયા છે. પાકિસ્તાને હાલમાં ગુજરાત સાથે જાડાયેલી સરહદ ઉપર પણ જવાનો ગોઠવ્યા છે.