ઝારખંડના જમશેદપુરમાં રવિવારે ફાટી નીકળેલી હિંસા બાદ તણાવની સ્થિતિ જોવા મળતા આઈપીસીની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસની ટીમ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિંસાની ઘટના બાદ ૪૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. અફવા ફેલાવનારાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. લોકોને ભ્રામક સમાચારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. જમશેદપુરના એસએસપી પ્રભાત કુમારે જણાવ્યું કે વિસ્તારમાં દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
આરએએફની એક કંપની તૈનાત છે. બહારથી વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી છે. શહેરમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. કેટલાક લોકોએ અનેક વાહનોમાં આગ લગાવી દીધી હતી. હંગામાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ, બદમાશોએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ થઈ છે. સાથે જ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ ડીઆઈજી અને કમિશનર શહેરમાં પહોંચી ગયા હતા. તેમણે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે જે કોઈ શાંતિ ભંગ કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મળતી માહિતી મુજબ જ્યારે પોલીસે પથ્થરબાજોનો પીછો કર્યો ત્યારે તેઓ એક ધાર્મિક સ્થળે છુપાઈ ગયા હતા. ઘટના અંગે ડેપ્યુટી કમિશનર વિજયા જાધવે કહ્યું છે કે વહીવટીતંત્ર અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારને બક્ષવામાં આવશે નહીં. આ મામલામાં ૪૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.આગમચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. આજે જમશેદપુરમાં પ્રશાસન સાથે બંને પક્ષો અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ છે. શહેરના શાસ્ત્રીનગરમાં પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ બદમાશોએ છ દુકાનો અને બાઇકને પણ આગ લગાવી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શાસ્ત્રી નગર ચોક પર માંસથી ભરેલી પોલીથીનબેગ, ધાર્મિક ધ્વજ સાથે બાંધી દેવામાં આવી હતી. હિંદુ સંગઠનોને આ વાતની જાણ થતાં જ તેઓએ વિરોધ શરૂ કરી દીધો હતો. થોડી વાર તો હોબાળો થયો, પણ પછી તે શાંત થઈ ગયો. દરમિયાન રવિવારે સાંજે હિંદુ સંગઠનોના લોકો એક બેઠક યોજી રહ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો. આ પછી બંને તરફથી પથ્થરમારો શરૂ થયો.