દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર ઉધોગપતિ ગૌતમ અદાણીએ ઈલેકટ્રોનીક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુબ જ મહત્વની વાતો કરી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના નિકટના ગણાતા સંબંધો અંગે પણ મુલાકાતમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને એમણે નિખાલસતાથી જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, વડાપ્રધાન અને હું એક જ પ્રદેશમાંથી આવીએ છીએ માટે મારા પર આવા નિરાધાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનની નિકટતાના કારણે તમારી પ્રગતિ વધી છે તેવા આક્ષેપો અંગે પૂછવામાં આવતા અદાણીએ કહ્યું હતું કે, એવું કઈં નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાજીવ ગાંધી યારે વડાપ્રધાન હતા ત્યારે મારા બિઝનેસ સફરની ભવ્ય શરૂઆત થઈ હતી.
રાજીવ ગાંધીએ આયાત-નિકાસ નીતિમાં સુધારા કર્યા હતા અને તેને પગલે મારું પ્રથમ એકસપર્ટ હાઉસ ખૂલ્યું હતું. એમણે એમ પણ કહ્યું કે, ત્રણ દશકામાં જેટલી પણ સરકારો આવી છે તે બધાની સુધારાવાદી નીતિઓના કારણે બિઝનેસમાં વધારો થયો છે. ૨૦૨૨નું વર્ષ તમને ખાસ કેમ લાગે છે ? તેમ પૂછવામાં આવતા એમણે કહ્યું કે, અનેક કારણોથી ૨૦૨૨નું વર્ષ ખાસ રહ્યું હતું. અમારું અદાણી વિલમરનો આઈપીઓ સફળ રહ્યો હતો અને અદાણી વિલમર અમારા સમૂહની સાતમી લિસ્ટેડ કંપની બની ગઈ છે.
અમે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બની ગયા છીએ. અમે એસીસી અને અંબુજા સિમેન્ટનું અધિગ્રહણ કર્યું અને તે અત્યાર સુધીનું અમારું સૌથી મોટું અધિગ્રહણ રહ્યું છે અને તે ભારતનું પણ સૌથી મોટું અધિગ્રહણ છે. ભારતને એશિયાના સૌથી મોટા અમીર આદમી તરીકે તમારી ગણના છે તો તેને તમે કેવી નજરે જુઓ છો ? આ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે, આ બધી શ્રેણી અને નંબર મારા માટે કોઈ મતલબ રાખતા નથી. આ બધી મીડિયા હાઈટ છે. હું પ્રથમ જનરેશનનો ઉધમી છું જેણે શરૂઆતથી ખુદ પોતે જ બનાવ્યું છે. મને પડકારો વચ્ચે જ મજા આવે છે. જેટલો મોટો પડકાર હોય એટલી વધારે ખુશી થાય છે. મારા માટે લોકોની જિંદગી બદલવા અને દેશને આગળ વધારવાનો અવસર આવે તો મને વધુ સંતોષ મળે છે. કોઈ શ્રેણી કે મૂલ્યાંકન યાદીમાં આવવા કરતાં હું ભગવાનનો ધન્યવાદ વધારે માનું છું. ઈશ્ર્વરે મને દેશને આગળ વધારવા માટેનો મહત્વનો અવસર આપ્યો છે. કઈ ચીજ તમને સૌથી વધુ ખુશી આપે છે ? તેવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે, ચાલુ વર્ષ મારા માટે સૌથી મોટો હતો. આ વર્ષે જ મેં ૬૦મો જન્મદિવસ મનાવ્યો અને આ અવસરે મારા પરિવારે અદાણી ફાઉન્ડેશનને ૬૦ હજાર કરોડ રૂપિયા આપ્યા. શિક્ષણ, આરોગ્ય સેવા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે દેશના પાયા મજબૂત કરવા માટે આ ફાળવણી થઈ છે એટલે મને સંતોષ છે અને સૌથી વધુ ખુશી એટલા માટે જ મળી છે.
તમારી સફળતાનો મત્રં શું છે ? તેવા સવાલના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, અમારા બધા જ ઉધોગ પ્રોફેશનલ લોકો અને કાબેલ સીઈઓ દ્રારા ચાલે છે. હું એમના રોજના કામમાં દખલ કરતો નથી. મારું કામ ફકત આગળની દિશા દેખાડવાનું છે. એ જ રીતે રૂપિયાની ફાળવણી અને એમના કામની સમીક્ષા મારે કરવાની હોય છે. એટલા માટે જ હું આટલો મોટો અને વિસ્તૃત ઉધોગ સંભાળવાની સાથે સાથે નવા ઉધોગ આગળ વધારી શકું છું અને નવા ઉધોગો તરફ ધ્યાન આપી શકું છું.