બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં દરેક ફિલ્મ દિગ્દર્શકની પ્રથમ પસંદગી બની ગયા છે. સંજય લીલા ભણસાલી પછી, આદિત્ય ચોપરા, કબીર ખાન અને રોહિત શેટ્ટી જેવા પીઢ દિગ્દર્શકો પછી હવે કરણ જોહરે પણ ધર્મા પ્રોડક્શન અંતર્ગત એક ફિલ્મ માટે રણવીર સિંહ ને કાસ્ટ કરેલ છે.
એવા સમાચાર મળ્યા છે કે કરણ જોહર ‘ઓશો’ આચાર્ય રજનીશના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાના છે. જે માટે કરણ જોહરે રણવિર સિંહને ‘ઓશો’ના અભિનય માટે કાસ્ટ કરેલ છે. ધર્મા પ્રોડક્શન હેઠળ શકુન બત્રા આ ફિલ્મનું નિર્દેશન કરશે.
‘ઓશો’ના જીવન પર આધારિત આ ફિલ્મ ખૂબ મોટા બજેટમાં બનાવવામાં આવશે. ઓશોની આ જીવનીને હિન્દી ભાષા સહિત કેટલીક અન્ય ભાષાઓમાં પણ બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવામાં આવશે. કરણ જોહરે આ પહેલા અગાઉ રણવીર સિંહ અને રોહિત શેટ્ટી સાથે મળીને ફિલ્મ ‘રામ લખન’ની રિમેક બનાવવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ ત્યાર બાદ કામ આગળ વધ્યું નહિ.
બોલીવુડમાં ‘ઓશો’ને માનનારા લોકોમાં મહેશ ભટ્ટ અને વિનોદ ખન્ના સહિત ઘણા લોકો રહ્યા છે. ઓશોએ તેમના જીવન દરમિયાન ખૂબ આકરા શબ્દોમાં રૂઢિવાદી ધર્મોની ટીકા કરી હતી, જેના લીધે તેઓ આખી જિંદગી વિવાદમાં રહ્યા હતા. ઓશો એક ભારતીય વિચારક હતા તેમના જીવનકાળ દરમિયાન તેમને એક વિવાદાસ્પદ રહસ્યદર્શી, માસ્ટર અને આધ્યાત્મિક શિક્ષક તરીકે જોવામાં આવ્યા છે. 1960ના દાયકામાં તેમણે જાહેર વક્તા તરીકે ભારતભરમાં પ્રવાસ કર્યો હતો અને સમાજવાદ, મહાત્મા ગાંધી અને હિન્દુ ધાર્મિક રૂઢિચુસ્તોના એક મજબૂત ટીકાકાર હતા. તેમણે જાતીયતા વિષય તરફ વધુ ખુલ્લા અભિગમની તરફેણ કરી હતી.