ભુવનેશ્વર : ઓરિસ્સાના દરિયાકાઠા પર ફેની ચક્રવાતનુ સંકટ તોળાઇ રહ્યુ છે. આને લઇને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. રાજ્ય સરકારે દરિયાકાઠાના વિસ્તારોમાંથી લાખો લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દીધા છે. દરિયાકાઠાના વિસ્તાર અને નીચલા વિસ્તારમાં રહેતા આઠ લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન નવીન પટનાઇકના નેતૃત્વમાં સચિવાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી રહી છે.
પ્રદેશ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ૧૫ મે સુધી રજા રદ કરવામાં આવી ચુકી છે. જે રજા પર હતા તેમને બુધવાર સુધી પરત બોલાવી લેવામાં આવ્યા હતા. કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરવામાં આવી છે. ભુવનેશ્વરના હવામાન વિભાગે કહ્યુ છે કે દક્ષિણ ઓરિસ્સામાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થનાર છે.
ગઇકાલે પ્રદેશના તમામ ૧૧ જિલ્લમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ફોની વાવાઝોડુ આવતીકાલે શુક્રવારના દિવસે ઓરિસ્સાના દરિયાકાંઠા પર ગોપાલપુર અને ચાંદબલીમાં ત્રાટકે તેવી શક્યતા છે.અધિકારીઓના કહેવા મુજબ હાલમાં ચક્રવાદી ફની ઓરિસ્સાથી ૭૬૦ કિલોમીટરના દક્ષિણ પશ્ચિમ અને વિશાખાપટ્ટનમથી ૫૬૦ કિલોમીટર દક્ષિણ પૂર્વ તથા ત્રિણમલ્લીથી ૬૬૦ કિલોમીટરના ઉત્તર-ઉત્તરપૂર્વ શ્રીલંકામાં સ્થિત છે. ચક્રવાતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એડવાન્સમાં ચાર રાજ્યો માટે ૧૦૮૬ કરોડની રકમ જાહેર કરી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિળનાડુ અને બંગાળ પર ખતરો તોળાઈ રહ્યો છે. તોફાનથી બચવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ફનીના ભારતીય પૂર્વીય દરિયાકાંઠા તરફ વધવાને લઇને નૌસેના અને દરિયાકાંઠાના રક્ષકોના જહાજ અને હેલિકોપ્ટરોને તૈનાત કરાયા છે.