નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. આની સાથે જ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઓરિસ્સામાં ચાર તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.
ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓરિસ્સામાં ૧૧મી એપ્રિલથી ૨૯મી એપ્રિલની વચ્ચે ચાર તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીની સાથે ઓરિસ્સામાં ૧૧, ૧૮, ૨૩ અને ૨૯મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે. ઓરિસ્સાની ૧૪૭ વિધાનસભા સીટો માટે ચૂંટણીમાં મુખ્ય ટક્કર બીજુ જનતાદળ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દેખાઈ રહી છે.
આવી જ રીતે આંધ્રપ્રદેશની ૧૭૫ વિધાનસભા સીટ પર લોકસભાની ચૂંટણી સાથે મતદાન થશે. લોકસભા સાથે વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થશે. વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થનાર છે. દેશભરમાં મતદારોની સૌથી વધુ સંખ્યામાં આંધ્રપ્રદેશ ત્રીજા ક્રમે છે. ૨૦૧૪ના એક રિપોર્ટ મુજબ આંધ્રપ્રદેશમાં ૭.૭ ટકા મતદારો છે. આંધ્રપ્રદેશની સાથે સાથે સિક્કિમમાં ૧૧મી એપ્રિલના દિવસે લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી થશે. સિક્કિમની ૩૨ વિધાનસભા સીટ માટે ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થશે.
લોકસભાની એક સીટ માટે પણ એજ દિવસે મતદાન થશે. હાલના સમયમાં મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના નેતૃત્વમાં એસડીએફની સરકાર રહેલી છે. રાજ્યમાં પવનકુમાર પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. સિક્કિમમાં મતદાનની સાથે અરુણાચલમાં વિધાનસભાની ૬૦ સીટ માટે ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થશે. સાત તબક્કામાં યોજાનાર લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. અરુણાચલમમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ છે. અરુણાચલમાં પણ ૧૧મી એપ્રિલના દિવસે જ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.