અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧૬ જુલાઇ, ર૦૧૭થી શહેરમાં નવ મહિનાના બાળકથી લઇને ૧પ વર્ષના બાળક સુધીનાં બાળકોમાં ઓરી-અછબડાની રસી આપવાનું અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત શાળામાં ભણતા બાળકો સહિતનાં કુલ ૯.૧૧ લાખથી વધુ બાળકોને આજદિન સુધી ઓરી-અછબડાની રસી અપાઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રસીથી રિએકશન અને આડઅસરના વિવાદ અને ઉહાપોહ જાગ્યો હતો પરંતુ તંત્રએ સબ સલામત હોવાનો દાવો કરી તેનું અભિયાન ચાલુ રાખ્યું હતું, જેમાં ૯.૧૧ લાખથી વધુ બાળકોને આ રસી આપવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી.
ગત તા.૧૬ જુલાઇએ શહેરની કુલ રર૬ શાળાના પ૦,૩૮૬ બાળકોને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ઓરી-અછબડાની રસી અપાઇ હતી. જ્યારે ર૪ર૩ બાળકોને ફિલ્ડ દરમ્યાન અને ખાનગી તબીબો દ્વારા રસી અપાઇ હતી. આમ રસીકરણના પહેલા દિવસે કુલ પર૮૦૯ બાળકોમાં રસીકરણ કરાયું હતું. જ્યારે ગત તા.૧૭ જુલાઇ, ર૦૧૮એ ૧૯૭ શાળાના પ૪૩૯પ અને બહારના ર૩૧૬ બાળકો મળીને કુલ પ૬૭૧૧ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા હતા.
જોકે કેટલાક કારણસર અમદાવાદ સહિત રાજ્યભરમાં કેટલાક લોકોએ ઓરી-અછબડાની રસી મુકાવવા સામે વિરોધ કરતા આ અભિયાન સામે વિવાદો સર્જાયા હતા. પરિણામે તંત્રની કામગીરીની ઝડપ ધીમી પડી હતી. ગત તા.૧૭ ઓગસ્ટ, ર૦૧૮એ એટલે કે એક મહિના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ચોપડે પ,૪૭,૬૭૮ બાળકો નોંધાયા હતા. દરમ્યાન મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગત તા.૧૧ સપ્ટેમ્બર, ર૦૧૮ સુધીમાં શહેરના કુલ ૯,૧૧,૧ર૪ બાળકોને ઓરી-અછબડાની રસી અપાઇ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ ૧ર લાખ બાળકોને ઓરી-અછબડાની રસી અપાવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા રસીકરણની કામગીરીની મુદતમાં વધારો કરાયો હોય તંત્ર પોતાના લક્ષ્યાંકને મેળવી શકશે તેવી શક્યતા છે.