ગાંધીનગર : શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ/પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા, અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે સામાજિક, શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાન તરીકે નિર્માણ પામનાર “વણકર ભવન”ના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન 25 ફેબ્રુઆરી, 2024- રવિવારના રોજ થવા જઈ રહેલ છે સાથે જ રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે મહાસંઘના હોદ્દેદારો ડૉ. અમૃત એસ. પરમાર (પ્રમુખ), હરગોવિંદ પી. સોલંકી (મહામંત્રી), સુધીર બી. પરમાર (ફાઇનાન્શિયલ એડવાઈઝર), મોતીભાઈ આર. વણકર (ટ્રસ્ટી), કિશોરકુમાર સોલંકી (ટ્રસ્ટી), હસમુખ સક્સેના (કો- ઓપ્ટ ટ્રસ્ટી) તથા મહાસંઘના તમામ હોદ્દેદારો તથા ટ્રસ્ટીશ્રીઓ એ વણકર સમાજના ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભૂમિપૂજન પ્રસંગે ડૉ. કરસનદાસ સોનેરી (ચીફ પેટ્રન , મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર) , કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ (પેટ્રન મહાસંઘ), શ્રી પ્રદીપભાઈ પરમાર (પેટ્રન, મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રીશ્રી) ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમના ઉદ્ઘાટક ડૉ. કિરીટભાઈ સોલંકી (માનનીય સંસદસભ્ય શ્રી) હશે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણલાલ વોરા (માનનીય ધારાસભ્યશ્રી) (પૂર્વ માનનીય મંત્રીશ્રી, પૂર્વ માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા) હાજરી આપશે. આ ઉપરાંત સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતાં અધિકારીઓ તથા નિવૃત્ત અધિકારીઓ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ વણકરભવન આશરે 12 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન, લાઈબ્રેરી, તેમજ લાયકત ધરાવતાં વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે. વણકર સમાજ મહાસંઘનું લક્ષ્ય છે કે કારકિર્દી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, આર્થિક વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક સુધારણા અને યુવાવિકાસ યુવાશક્તિ સંગઠનને ધ્યાનમાં રાખીને આ વણકર ભવનનું નિર્માણ થાય.
હાલમાં વણકર સમાજના જૂદા-જૂદા પરગણામાં સ્થાનિક ક્ષેત્રેશૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો થઇ રહ્યા છે. જૂદા- જૂદા પરગણાના ઘણાં વણકર ભાઈ- બહેનો વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. ઉત્તર ગુજરાતના 10 જેટલાં જિલ્લાઓના વણકર ભાઈ- બહેનો સહીત સમગ્ર ગુજરાતના વણકર ભાઈ- બહેનો આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે થનગની રહ્યાં છે.