નવીદિલ્હી: આઈટી કંપની ઇન્ફોસીસને તેના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રાજીવ બંસલને ૧૨.૧૭ કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. આર્બિટ્રેશન કેસ ઇન્ફોસીસ કંપની હારી ગઈ છે. રાજીવ બંસલને ૧૨.૧૭ કરોડ રૂપિયા અને વ્યાજની ચુકવણી કરવી પડશે. બંસલની તરફેણમાં આ ચુકાદો ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો છે. બંસલે જ આ મામલાને ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કર્યો હતો. બંસલે આક્ષેપ કર્યો હતો કે, કંપનીએ તેમને ૧૭.૩૮ કરોડ રૂપિયાની પુરતી રકમ આપી ન હતી. બંસલે ૨૦૧૫માં ઇન્ફોસીસ કંપની છોડી દીધી હતી અને તેઓ કંપની છોડી દીધા બાદ તેઓ ૧૭.૩૮ કરોડ રૂપિયાની પેમેન્ટની આશા રાખી રહ્યા હતા પરંતુ કંપનીએ તેમને ૫.૨ કરોડ રૂપિયા જ આપ્યા હતા.
બાકીની રકમ એમ કહીને રોકી દેવામાં આવી હતી કે, બંસલે કેટલીક જવાબદારીને પાળી ન હતી. ત્યારબાદ બંસલ આ મામલાને લઇને ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા. ઇન્ફોસીસે બંસલની સામે કાઉન્ટર ક્લેઇમ દાખલ કરીને પહેલા આપવામાં આવેલા ૫.૨ કરોડ રૂપિયાને લઇને રિફંડ કરવા અને બાકી નુકસાનની ભરપાઈ કરવા માટે કહ્યું હતું. બંસલના સેવ રેંસ પેકેજને લઇને ઇન્ફોસીસમાં કોર્પોરેટ ગવર્નન્સ ઇશ્યુ ઉભો થઇ ગયો હતો. ૨૦૧૭માં સમગ્ર વર્ષ દરમિયાન આ મામલો ચાલ્યો હતો. કંપનીના સ્થાપક નારાયણમૂર્થિએ કહ્યું હતું કે, સેવરેન્સ પેકેજ બંસલને શાંત રહેવા માટે આપ્યું હતું. આ મામલાના પરિણામ સ્વરુપે જ ઇન્ફોસીસના તત્કાલિન સીઈઓ વિશાલ સિક્કા અને બોર્ડના અન્ય ચાર સભ્યોને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ઇન્ફોસીસના તત્કાલિન ચેરમેન આર શેસાસાઈ પણ આમા સામેલ હતા.