શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફે આજે સવારે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજીને પુલવામા હુમલા અને એન્કાઉન્ટરના સંબંધમાં માહિતી આપી હતી. સાથે સાથે કાશ્મીરી યુવાનોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જા સુરક્ષા દળો સાથે સહકાર નહીં કરવામાં આવે તો હવે તેમને ઠાર કરવામાં આવશે. કાશ્મીરી યુવાનોને સંદેશ આપીને તેમની માતાઓને અપીલ કરવામાં આવી હતી. સેનાના લેફ્ટી. જનરલ કેજેએસ ઢિલ્લોને કહ્યુ હતુ કે ભટકી ગયેલા કાશ્મીરી યુવાનોની માતાને અપીલ કરવામાં આવે છે કે જે બાળકો ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા છે તેમને શરણાગતિ સ્વીકારી લેવા માટે કહેવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે જા ભટકેલા યુવાનો શરણાગતિ સ્વીકારશે નહીં તો તેમને મોતને ઘાટ ઉતારી દેવા માટેનો વિકલ્પ રહેશે. જેશે મોહમ્મદ પાકિસ્તાની સેનાના એક હિસ્સા તરીકે હોવાની પણ તેઓએ વાત કરી હતી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે જેશના ત્રણ કમાન્ડરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
આ હુમલામાં કોણ સામેલ હતા તેમની યોજના શુ હતી તે અંગે અમે માહિતી આપવા ઇચ્છુક નથી. હુમલામાં પાકિસ્તાની સેનાની ૧૦૦ ટકા સંડોવણી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યુ હતુ કે તેઓ જમ્મુ કાશ્મીરમાં વાલીઓ અને ખાસ કરીને માતાઓને અપીલ કરે છે કે પોતાના બાળકોને સમજાવવામાં આવે. ખોટા રસ્તા પર જતા રહેલા યુવાનોને શરણાગતિ સ્વિકારી લેવા માટે કહેવામાં આવે. મુખ્ય ધારામાં પરત ફરે. કાશ્મીરમાં જે પણ બંદુક ઉઠાવશે તેને ઠાર કરવામાં આવશે. શરણાગતિ સ્વીકારી રહેલા યુવાનો માટે સારા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જા કે ત્રાસવાદીઓના હુમલામાં સામેલ રહેલા યુવાનો માટે કોઇ દયા રાખવામાં આવનાર નથી. ઓપરેશન દરમિયાન સહકાર આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. સેનાના લેફ્ટી. જનરલે કહ્યુ હતુ કે પુલવામા હુમલાના ૧૦૦ કલાકની અંદર જ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
લેફ્ટી. જનરલ ઢિલ્લોને કહ્યુ હતુ કે કેટલાય ગાઝી આવ્યા છે અને જતા રહ્યા છે. અમે તેમને એવી રીતે જ હેન્ડલ કરનાર છીએ. તેમણઁ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે જે પણ ખીણમાં ઘુસી જશે તે જીવિત પરત ફરશે નહીં. તેમણે કબુલાત કરી હતી કે ખીણમાં ઘુસણખોરી જારી છે. જા કે ઘુસણખોરીમાં ઘટાડો થયો છે. કાશ્મીરી બાળકોને કોઇ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન ચાલી રહી છે. પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાજી ઉર્ફે કામરાનને ઠાર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ સામે ઓપરેશન વેળા ગઇકાલે ફરી એકવાર સ્થાનિક લોકોએ સેનાની કાર્યવાહી આડે અડચણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા.
ભારતીય સુરક્ષા દળો પર હાલમાં પથ્થરમારો કરીને સ્થાનિક લોકોએ ફરી પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોને વારંવાર જતા રહેવા માટે સુરક્ષા દળોએ અપીલ કરી હોવા છતાં આ લોકોએ અડચણો ઉભી કરવામાં પ્રયાસો કર્યા હતા. જેથી સુરક્ષા દળો સામે અડચણો ઉભી થઈ હતી. સ્થાનિક પથ્થરબાજાને જડબાતોડ જવાબ આપવામાં સુરક્ષા દળો કેમ ખચકાઈ રહ્યા છે તેવા પ્રશ્નો પણ હવે થઈ રહ્યા છે. કારણ કે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં મદદરૂપ થનાર તમામ પણ આતંકવાદી અને દેશના દુશ્મન હોવાની વાત સેનાના ટોપ અધિકારીઓ પણ કરી ચુક્યા છે ત્યારે પથ્થરબાજા સામે પણ અતિ કઠોર કાર્યવાહી કરવાની માંગ સતત ઉઠી રહી હતી. જેથી હવે આ આદેશ સેના દ્વારા કરવામાં આવ્યો છે.